હું આજે પણ સારી લવસ્ટોરીવાળી ફિલ્મની ઑફરની રાહ જોઈ રહ્યો છું

10 December, 2012 08:02 AM IST  | 

હું આજે પણ સારી લવસ્ટોરીવાળી ફિલ્મની ઑફરની રાહ જોઈ રહ્યો છું




(ઇન્ટરવ્યુ)

ભાગ્યે જ કોઈ ટેલિવિઝન-ઍક્ટર ફિલ્મોમાં પોતાનું ખાસ સ્થાન બનાવી શક્યો છે અને એમાં એક છે રાજીવ ખંડેલવાલ. પોતાની પહેલી જ ફિલ્મ ‘આમિર’થી રાજીવ પોતાની ખાસ ઇમેજ બનાવી શક્યો છે. ‘મિડ-ડે’ સાથેની ખાસ મુલાકાતમાં રાજીવ પોતાની કરીઅર વિશે દિલ ખોલીને વાત કરે છે.

તને સિરિયસ ઍક્ટર તરીકે સ્ટિરિયોટાઇપ થવાનો ડર નથી લાગતો?


બિલકુલ નહીં. હું અલગ-અલગ પ્રકારના રોલ કરી રહ્યો છું. મને એ વાત સાંભળીને હસવું આવે છે કે એક સમયે જે લોકો એમ કહેતા કે હું ટેલિવિઝનની મારી રોમૅન્ટિક હીરોની ઇમેજ નહીં તોડી શકું એ જ લોકો આજે કહે છે કે હું સિરિયસ હીરોની ઇમેજમાં કેદ થઈ જઈશ. હું આજે પણ સારી લવસ્ટોરીવાળી ફિલ્મની ઑફરની રાહ જોઈ રહ્યો છું. આ ફિલ્મ ન મળે ત્યાં સુધી હું મારી પસંદગીના રોલ કરીને જ ખુશ છું.

તું કેવા રોલ કરવા માગે છે?


હું કેવા રોલ કરવા માગું છું એની તો મને ખબર નથી, પણ એ વાતની મને બરાબર ખબર છે કે મારે કેવા રોલ નથી કરવા. હું કદાચ નબળો રોલ કરીશ, પણ મારો ખરેખર કોઈ ડ્રીમ રોલ નથી. હું મારા ડ્રીમ રોલની હજી રાહ જોઈ રહ્યો છું. મેં ‘આમિર’ પછી બહુ અપેક્ષા રાખવાનું છોડી દીધું છે, કારણ કે મને સમજાઈ ગયું છે કે શ્રેષ્ઠ ફિલ્મ એ છે જે ઓછી અપેક્ષા હોવા છતાં સારો દેખાવ કરે.

તારી છેલ્લી ફિલ્મ ‘સાઉન્ડટ્રૅક’ ૨૦૧૧માં રિલીઝ થઈ હતી. એ પછી બહુ લાંબો બ્રેક નથી થઈ ગયો?


મેં મારી કરીઅરમાં જે સારા નર્ણિયો લીધા છે એને ઉતાવળ કરીને ખરાબમાં ફેરવવા નથી માગતો.  મારી પાસે પૂરતો સમય છે અને હું બિલકુલ અસુરક્ષિત નથી. મને લાઇમલાઇટથી દૂર રહેવામાં કોઈ સમસ્યા નથી. હું વધુપડતો મહત્વાકાંક્ષી નથી કે પછી કોઈની સાથે મારી રેસ નથી.

પરેશ રાવલ સાથે સહકલાકાર તરીકે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?


પરેશજી બહુ સારા કલાકાર અને ઉમદા વ્યક્તિ છે. મારી ‘આમિર’ જોઈને સૌથી પહેલાં તેમણે જ મને અભિનંદનનો ફોન કર્યો હતો. હું તેમનો મોટો ચાહક છું અને તેમની સાથે કામ કરવાની મારી સૌથી મોટી ઇચ્છા પૂરી થઈ છે.

તું ફરી ટેલિવિઝનના ફીલ્ડમાં કામ કરવાનું પસંદ કરીશ?


જો સારી ઑફર મળશે તો ચોક્કસ કરીશ, પણ અત્યારે કોઈ આયોજન નથી.