30 June, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પલકના પિતા રાજા ચૌધરીએ હવે આ ચર્ચા પર પોતાનો મત વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે હું આનાથી ખુશ નથી.
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ક્યારેક તેના કામને કારણે અથવા તો તેના અને ઇબ્રાહિમ અલી ખાન વચ્ચેના પ્રેમપ્રકરણને કારણે ચર્ચામાં રહે છે. પલક કે ઇબ્રાહિમે ક્યારેય ડેટિંગની અટકળોની પુષ્ટિ કરી નથી કે ખંડન નથી કર્યું, પરંતુ પલકના પિતા રાજા ચૌધરીએ હવે આ ચર્ચા પર પોતાનો મત વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે હું આનાથી ખુશ નથી.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં રાજા ચૌધરીએ પોતાના અંગત જીવન, શ્વેતા તિવારી સાથેના લાંબા સમયથી છૂટાછેડા લીધેલા સંબંધ અને પોતાની પુત્રી પલક સાથેના તેના બૉન્ડ વિશે ખૂલીને વાત કરી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તું પલક સાથે સંપર્કમાં છે ત્યારે રાજાએ જવાબ આપ્યો, ‘હા, વાત થાય છે, સોશ્યલ મીડિયા દ્વારા.’
આ ઇન્ટરવ્યુમાં પલકના રોમૅન્ટિક જીવન વિશે ચાલી રહેલી અફવા પર રાજાએ કહ્યું કે હું નથી ઇચ્છતો કે તેની કરીઅરના આ તબક્કે તે કોઈ સંબંધમાં હોય. રાજાએ આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘જો મને સમજાવવાનો મોકો મળશે તો હું એટલું જ કહીશ કે આવાં ચક્કરથી દૂર રહીને તારી કરીઅર પર ધ્યાન આપ. એ જ એક એવી વસ્તુ છે જે આખરે તને કામ લાગશે. ૩૦-૩૫ વર્ષ પહેલાં રિલેશનશિપમાં આવવું જ ન જોઈએ. મને લાગે છે કે બધા અપરિપક્વ હોય છે. લોકોમાં પરિપક્વતા હોતી જ નથી. બસ નાની વયમાં લોકો લગ્ન કરી લે છે અને એ એક મોટી ભૂલ સાબિત થાય છે. પછી રડતા રહે છે.’
શ્વેતા અને રાજાના ડિવૉર્સ પછી પલક તેની મમ્મી સાથે રહે છે. તેણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પિતા સાથે બહુ ઓછી વાત કરી છે. રાજા અને શ્વેતાએ ૧૯૯૮માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૦૭માં બન્ને અલગ થયાં હતાં. તેમના છૂટાછેડાને ૨૦૧૨માં સત્તાવાર મંજૂરી મળી ગઈ હતી. શ્વેતા તિવારીને બીજા પતિ અભિનવ કોહલીથી પણ એક દીકરો છે.