રાહુલ રોય ભાનમાં, ભવિષ્યમાં સ્ટ્રોક ના આવે તે માટે સ્ટેન્ટ મૂકવાની જરૂર

04 December, 2020 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાહુલ રોય ભાનમાં, ભવિષ્યમાં સ્ટ્રોક ના આવે તે માટે સ્ટેન્ટ મૂકવાની જરૂર

ફાઈલ તસવીર

અભિનેતા રાહુલ રોય હાલમાં મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. કારગિલમાં ફિલ્મ 'LAC'ના શૂટિંગ દરમિયાન એક્ટરને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ફિલ્મના ડિરેક્ટર નિતિન કુમાર ગુપ્તાએ હાલમાં જ કહ્યું હતું કે ભવિષ્યમાં રાહુલ રોયને કોઈ સ્ટ્રોક ના આવે તે માટે કદાચ સ્ટેન્ટ મૂકવાની જરૂર ઊભી થશે. એકવાર રાહુલની તબિયત એકદમ ઠીક થઈ જશે પછી ડૉક્ટર્સ આ પ્રોસેસ કરશે. હાલમાં નિતિન કારગિલમાં જ છે.

રાહુલનો તમામ મેડિકલ ખર્ચ નિતિન ઊઠાવી રહ્યો છે. રાહુલ બીમાર હોવાથી તે પોતે પૈસા આપી શકે તેમ ના હોવાથી નિતિન જ પૈસા આપી રહ્યો છે. નિતિને કહ્યું હતું કે જો કોઈ તેને સારવાર માટે મદદ કરવા માગે છે તો જ્યારે રાહુલ ઠીક થઈ જશે ત્યારે તે પૈસા પરત કરી દેશે.

અંગ્રેજી અખબાર મુંબઈ મિરર સાથેની વાતચીતમાં નિતિને કહ્યું હતું, 'હું સતત મેડિકલ સ્ટાફ તથા રાહુલના જોડિયા ભાઈ રોહિત સાથે સંપર્કમાં છું. રોહિત હાલમાં કેનેડામાં રહે છે. ગુરુવાર (3 ડિસેમ્બર)ના રોજ રોહિત સાથે વાત થઈ હતી અને તેણે કહ્યું હતું કે રાહુલની ફિઝિયોથેરપી તથા સ્પીચ થેરપી સારી રીતે ચાલી રહી છે. તેણે રાહુલ સાથે અડધી મિનિટ વાત પણ કરી હતી. રાહુલ એકદમ ભાનમાં છે અને થોડાંક વાક્યો બોલી શકે છે. તમામની પ્રાર્થના માટે આભાર. દિવસે દિવસે તેની તબિયત સુધારા પર છે.

નિતિને ઉમેર્યું કે, 'મેં રાહુલની તબિયત અંગે ડૉક્ટર્સ સાથે ચર્ચા કરી હતી અને તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં આવા કોઈ સ્ટ્રોક ના આવે તે માટે રાહુલની સેલેબ્રલ આર્ટીની વચ્ચે એક સ્ટેન્ટ મૂકવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં મગજ સંબંધિત સમસ્યા ના સર્જાય. આનાથી સ્ટ્રોક નહીં આવે અને આ બહુ ખર્ચાળ છે. હું જ્યારે પરત આવીશ, ત્યારે હું ખર્ચ અંગે ફરીવાર ડૉક્ટર્સ સાથે વાત કરીશ. અત્યારે તો હું ખર્ચ ઊઠાવી શકું તેમ છે, પરંતુ જો કોઈ ઈચ્છે તો મદદ કરે તો મારા માટે તેને મદદ કરવાનું સરળ રહેશે. મને વિશ્વાસ છે કે રાહુલ એકવાર સાજો થઈ જશે પછી તે પૈસા પાછા આપી દેશે.'

અભિનેતા કારગીલમાં -17 ડિગ્રી ઠંડીમાં ફિલ્મનું શૂટિંગ કરતો હતો. આ કારણે રાહુલને બ્રેન સ્ટ્રોક આવ્યો હોવાનું માનવામાં આવે છે. કારગિલથી પહેલાં રાહુલને શ્રીનગર લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં રાહુલ ICUમાં હતો અને પછી તેને નોર્મલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.

rahul roy bollywood