લાઇમલાઇટથી દૂર એવા અંડરરેટેડ અભિનેતા જેના દળદાર પાત્રો છે લોકપ્રિય

27 July, 2020 05:18 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

લાઇમલાઇટથી દૂર એવા અંડરરેટેડ અભિનેતા જેના દળદાર પાત્રો છે લોકપ્રિય

રાહુલ બોસ (ફાઇલ ફોટો)

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા એક્ટર્સની લિસ્ટ ઘણી લાંબી છે જે ટેલેન્ટેડ તો છે પણ તેમને નૉટિસ ઓછા કરવામાં આવ્યા છે કાં તો તેમણે ગ્લેમરથી અંતર સાધી લીધું હોવાને કારણે એવું નામ અને ફૅમ નથી મળ્યું જેવું અન્ય સિતારાઓને મળે છે. રાહુલ બોસ(Rahul Bose) ભલે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા અભિનેતા છે અને ઇન્ટરવ્યૂઝમાં પણ પોતાની વાત સહજતાથી રજૂ કરતા હોય, પણ આ બધાંથી અલગ તે લાઇમલાઇટથી દૂર રહ્યા છે.

ફિલ્મ મોટી હોય કે નાની, રાહુલ બોસે દરેક ફિલ્મમાં શાનદાર કામ કર્યું છે અને તેમણે લોકોને પોતાના વખાણ કરવા માટે મજબૂર પણ કર્યા છે. 27 જુલાઇ, 1967ના જન્મેલા રાહુલ બોસ આજે પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે આ અવસરે જાણીએ તેમના કેટલાક અફલાતૂન પાત્રો વિશે...

મિસ્ટર એન્ડ મિસિસ અય્યર
ફિલ્મમાં કોંકણા સેન શર્મા અને રાહુલ બોસની દમદાર એક્ટિંગ જોવા મળી હતી. કેવી રીતે એક બંગાળી મુસ્લિમ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર જ્યારે મુશ્કેલીમાં ફસાય છે તો એ અજાણી સાઉથ ઇન્ડિયન મહિલા તેને પોતાનો પતિ જણાવીને તેનો જીવ બચાવી લે છે. પછી બન્ને વચ્ચે રિલેશનશિપના પ્લેટફૉર્મ પર ફિલ્મના તાણાવાણાં વણાયા છે. આ ફિલ્મ જોવાનું લોકોને આજે પણ એટલું જ ગમે છે.

શૌર્ય
હૉલીવુડની ક્લાસિક ફિલ્મ અ ફ્યૂ ગુડ મેન પર આધારિત આ ફિલ્મ ખૂબ જ ચર્ચિત થઈ હતી. ફિલ્મમાં રાહુલ બોસ મેજર સિદ્ધાંત કુમાર ચૌધરીના પાત્રમાં જોવા મળ્યા હતા. સત્યને ન્યાય અપાવવા માટે તેમની સ્પિરીટ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. ફિલ્મમાં કે. કે. મેનન, પંકજ ત્રિપાઠી અને દીપક ડોબરિયાલ પણ મુખ્ય પાત્રોમાં જોવા મળ્યા હતા.

15 પાર્ક એવેન્યૂ
બે બહેનોના સંઘર્ષની આ સ્ટોરીમાં રાહુલ બોસની હાજરી પાત્રોને જીવંત બનાવી દે છે. ફિલ્મમાં કોંકણા સેન શર્મા અને શબાના આઝમી લીડ રોલમાં હતી અને રાહુલ બોસનું પાત્ર સપોર્ટિંગ હતું, મનોરોગ અને મગજ સાથે જોડાયેલી સમસ્યાઓથી જજૂમી રહેલા લોકો પર આધારિત આ એક ખૂબ જ સંવેદનશીલ ફિલ્મ હતી જેને કલાકારોની જબરજસ્ત એક્ટિંગની મદદથી સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી.

ચમેલી
આ ફિલ્મ પણ રાહુલ બોસની મોટાભાગની ફિલ્મોની જેમ અંડરરેટેડ જ રહી. ફિલ્મમાં રાહુલ બોસની જોડી કરીના કપૂર ખાન સાથે જોવા મળી. એક વેશ્યાના પાત્રમાં જોવા મળેલી કરીના કપૂર સાથે રાહુલ બોસની જે પ્રકારની કેમેસ્ટ્રી જોવા મળી હતી તેણે એ સાબિત કરી દીધું હતું કે રાહુલ બોસ દરેક પ્રકારના પાત્ર માટે કેટલા ફિટ છે.

પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ
રાહુલ બોસની મોટાભાગની ફિલ્મોની ખાસ વાત એ જ છે કે તેમની ફિલ્મોનું કોન્ટેન્ટ ખૂબ જ યુનિક હોય છે. ફિલ્મનું નિર્દેશન સાકેત ચૌધરીએ કર્યું હતુ. ફિલ્મમાં રાહુલ બોસે પોતાનું પાત્ર ખૂબ જ સુંદર રીતે ભજવ્યું હતું. આ ફિલ્મમાં તમે જોઈ શકશો કે પાત્રની ડિમાન્ડ પ્રમાણે રાહુલ બોસ પોતાના કેરેક્ટરમાં એવા એવા મૉડ્યુલેશન લાવે છે જે તેમના અન્ય કરતાં જુદાં બનાવે છે.

bollywood rahul bose bollywood gossips bollywood news happy birthday