28 March, 2023 04:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરવામાં આવશે ‘સના’ને
રાધિકા મદનની ‘સના’ યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવા માટે તૈયાર છે. આ ફિલ્મને નૅશનલ અવૉર્ડ વિનર ડિરેક્ટર સુધાંશુ સરિયાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ફેસ્ટિવલ ૨૫મી વરસગાંઠ સેલિબ્રેટ કરી રહ્યો છે અને એને આ ફિલ્મ દ્વારા શરૂ કરવામાં આવશે. આ ફેસ્ટિવલ ચાર મેથી શરૂ થઈ રહ્યો છે અને ૧૩ મે સુધી લંડનમાં ચાલશે. આ ફેસ્ટિવલના ઓપનિંગ નાઇટ સ્ક્રીનિંગમાં સુધાંશુ સરિયા અને રાધિકા મદન પણ જોવા મળશે. આ અગાઉ પણ ઘણા ફેસ્ટિવલમાં આ ફિલ્મનું પ્રીમિયર થઈ ચૂક્યું છે. આ વિશે રાધિકાએ કહ્યું કે ‘મારી ‘સના’ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ ફિલ્મ છે. આ એક એવી ફિલ્મ છે જે આઘાત વિશે વાત કરે છે. એક એવો આઘાત જેમાંથી ઘણા લોકો પસાર થાય છે, પરંતુ કોઈ એ વિશે વાત નથી કરતું. આ મારા માટે એક ચૅલેન્જિંગ રોલ હતો. મને ખુશી છે કે આ ફિલ્મને દુનિયાભરના લોકો દ્વારા પસંદ કરવામાં આવી છે. હું યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને લોકો સમજ રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહી છું.’