11 July, 2022 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાધિકા આપ્ટે પતિ સાથે
રાધિકા આપ્ટેએ જણાવ્યું છે કે ૧૦ વર્ષ અગાઉ જ્યારે તેનાં લગ્ન બેનેડિક્ટ ટેલર સાથે થયાં તો તેઓ લગ્નના ફોટોગ્રાફ લેવાનું ભૂલી ગયાં હતાં. એથી તેમની પાસે લગ્નના ફોટો નથી. ૨૦૧૨ના સપ્ટેમ્બરમાં રાધિકાએ લંડનમાં રહેતા મ્યુઝિશ્યન બેનેડિક્ટ સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે જાતે જ ઇંગ્લૅન્ડમાં લગ્ન કર્યાં હોવાથી માત્ર ફ્રેન્ડ્સને જ બોલાવવામાં આવ્યા હતા. એ વિશે રાધિકાએ કહ્યું કે ‘૧૦ વર્ષ અગાઉ મેં જ્યારે બેનેડિક્ટ સાથે લગ્ન કર્યાં તો અમે ફોટો ક્લિક કરવાનું ભૂલી ગયાં હતાં. અમે અમારી જાતે જ લગ્ન કર્યાં હતાં. અમે અમારા ફ્રેન્ડ્સને બોલાવ્યા હતા. જાતે જ જમવાનું બનાવ્યું, નૉર્ધર્ન ઇંગ્લૅન્ડમાં લગ્ન કર્યાં અને બાદમાં પાર્ટી કરી હતી. જોકે એકેય ફોટો નહોતો. અમારા અડધા ફ્રેન્ડ્સ તો ફોટોગ્રાફર્સ હતા. આમ છતાં કોઈએ અમારા ફોટો ન લીધા. અમે બધાએ ખૂબ ડ્રિન્ક કર્યું હતું. એથી અમારાં લગ્નના કોઈ ફોટો જ નથી. જોકે એક પ્રકારે આ સારી બાબત છે. મારા હસબન્ડે કોઈ ફોટો લીધા નહીં એથી મારા માટે તો એ ખરાબ છે. જોકે હવે અમે જ્યારે વેકેશન પર જઈએ છીએ તો અમે થોડા ફોટો તો ક્લિક કરી લઈએ છીએ.’