‘રાધે’ કોઈ ગ્રેટ ફિલ્મ નથી : સલીમ ખાન

28 May, 2021 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ સારી નથી બની એની પાછળનું કારણ તેમણે બૉલીવુડમાં સારા સ્ક્રીનરાઇટર્સ નથી એને જવાબદાર ગણાવ્યું છે. આજે લોકો હિન્દી અને ઉર્દૂ નથી વાંચતા એટલે સારી સ્ક્રિપ્ટ લખવામાં નથી આવતી એવું તેમનું માનવું છે.

‘રાધે’ કોઈ ગ્રેટ ફિલ્મ નથી : સલીમ ખાન

સલમાન ખાનના પિતા સલીમ ખાનનું કહેવું છે કે ‘રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ કોઈ ગ્રેટ ફિલ્મ નથી. સલમાનની આ ફિલ્મને ૧૩ મેએ પે-પર-વ્યુ દ્વારા રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે વ્યુઅરશિપના ઘણા રેકૉર્ડ બનાવ્યા હતા, પરંતુ એને રિવ્યુ સારા નહોતા મળ્યા. આ ફિલ્મને તેના પિતા સલીમ ખાને પણ કોઈ ખાસ ફિલ્મ નથી ગણાવી. તેમનું કહેવું છે કે રિવ્યુ કરનારને એવું લાગે છે કે ‘રાધે’માં સલમાનની પાછલી ફિલ્મોને રિપીટ કરવામાં આવી છે, પરંતુ ‘દબંગ 3’ અને ‘બજરંગી ભાઈજાન’ એકદમ અલગ ફિલ્મ છે. સલીમ ખાનનું કહેવું છે કે કમર્શિયલ ફિલ્મ પર એક જવાબદારી હોય છે કે દરેકને પૈસા મળવા જોઈએ. આર્ટિસ્ટ, પ્રોડ્યુસર, ડિરેક્ટર, ડિસ્ટ્રિબ્યુટર્સથી લઈને એક્ઝિબિટર્સ અને સ્ટેક હોલ્ડર્સને પણ પૈસા મળે એ કમર્શિયલ ફિલ્મ પર જવાબદારી હોય છે. સલીમ ખાનનું કહેવું છે કે આ ફિલ્મમાં સ્ટેકહોલ્ડર્સનો ઍડ્વાન્ટેજ છે બાકી ફિલ્મ કંઈ ગ્રેટ બનાવવામાં નથી આવી. આ ફિલ્મ સારી નથી બની એની પાછળનું કારણ તેમણે બૉલીવુડમાં સારા સ્ક્રીનરાઇટર્સ નથી એને જવાબદાર ગણાવ્યું છે. આજે લોકો હિન્દી અને ઉર્દૂ નથી વાંચતા એટલે સારી સ્ક્રિપ્ટ લખવામાં નથી આવતી એવું તેમનું માનવું છે.

રિવ્યુને કારણે નહીં, સલમાન માટે કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીને કારણે કેઆરકે વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો

‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ના રિવ્યુ માટે નહીં, પરંતુ સલમાન ખાન વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કમાલ રશિદ ખાન એટલે કે કેઆરકેને આપવામાં આવી છે નોટિસ. જોકે કેઆરકેએ આ કેસ પાછો ખેંચી લેવાની વિનંતી કરી છે. કેસની માહિતી આપતાં સલમાનની ટીમે કહ્યું કે ‘મિસ્ટર સલમાન ખાન વિરુદ્ધ કેઆરકે સતત વિવાદિત અને પાયાવિહોણા આરોપ લગાવી રહ્યો હતો અને સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે સલમાન ખાન ભ્રષ્ટ છે અને તેની બ્રૅન્ડ ‘બીઇંગ હ્યુમન’ છેતરપિંડી, શોષણ અને મની-લૉન્ડ‌‌િંરગ ટ્રાન્ઝૅક્શનમાં સંડોવાયેલી છે. સલમાન અને તેની ફિલ્મો લૂંટે છે. કેઆરકેએ અનેક ટ્વીટ્સ અને વિડિયોઝ દ્વારા જણાવ્યું કે મિસ્ટર સલમાન ખાને તેની ફિલ્મ ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ના  રિવ્યુને કારણે તેના પર કેસ દાખલ કર્યો છે. જોકે આ તદ્દન ખોટું છે. આ કેસ મિસ્ટર સલમાન ખાનની છબિને ખરડવા અને તેના પર તેની બ્રૅન્ડ ‘બીઇંગ હ્યુમન’ છેતરપિંડી, શોષણ અને મની-લૉન્ડ‌િંરગ ટ્રાન્ઝૅક્શનમાં સંડોવાયેલી છે એવા આરોપને કારણે કરવામાં આવ્યો છે. તે સલમાન ખાનને લઈને ઘણા મહિનાઓથી અપશબ્દો બોલી રહ્યો હતો જેથી તેની તરફ લોકોનું ધ્યાન જાય.’
બીજી તરફ કેઆરકેના વકીલે બચાવ કરતાં કહ્યું હતું કે ‘મિસ્ટર કમાલ આર. ખાન હવેથી સોશ્યલ મીડિયામાં કોઈ પણ ટિપ્પણી નહીં કરે.’

bollywood news bollywood entertainment news salim khan Salman Khan radhe