05 August, 2025 06:53 AM IST | Guwahati | Gujarati Mid-day Online Correspondent
મહાવતાર નરસિમ્હાની સ્ક્રિનિંગ વખતે છત તૂટી પડી
તાજેતરમાં `મહાવતાર નરસિમ્હા` નામની ઍનિમેટેડ ફિલ્મની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. લોકો દ્વારા આ ફિલ્મને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જોકે આ ફિલ્મની સ્ક્રિનિંગ વખતે એક ગંભીર ઘટના બની હતી, જેમાં અનેક લોકોને ઈજાઓ થઈ હતી. આસામમૅ બનેલી આ ઘટનાનો વીડિયો પણ હવે સામે આવ્યો છે. આસામના ગુવાહાટીમાં ફિલ્મ `મહાવતાર નરસિમ્હા` જોતી વખતે એક મોટો અકસ્માત થયો હતો. સ્ક્રીનિંગ દરમિયાન, પીવીઆર થિયેટરની છત તૂટી પડી, જેમાં એક બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે, અને હવે ઘટનાની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહી છે. લોકો આ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટના રવિવાર, 3 ઑગસ્ટના રોજ બની હતી, જ્યારે દર્શકો ફિલ્મ જોવામાં વ્યસ્ત હતા, અને અચાનક છતનો એક ભાગ તેમના પર પડ્યો અને અંધાધૂંધી મચી ગઈ હતી.
ફિલ્મ `મહાવતાર નરસિમ્હા` બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મે 10 દિવસમાં કુલ 91.25 કરોડની કમાણી કરી છે. તેના અન્ય ભાગો આગામી વર્ષોમાં રિલીઝ થશે એવી જાહેરાત કરવામાં આવી છે, જેના માટે દર્શકો પહેલેથી જ ખૂબ જ ઉત્સુક છે. જોકે, ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન ગુવાહાટીમાં બનેલી ઘટના આઘાતજનક છે. `મહાવતાર નરસિમ્હા` જોતી વખતે ઘાયલ થયેલા લોકોથી ફિલ્મ વધુ ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં, છત અને કાચના તૂટેલા ટુકડા અહીં-ત્યાં વિખરાયેલા જોવા મળી રહ્યા છે, અને લોકો કોરિડોરમાં ડરીને ઉભા પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીવીઆરની છત તૂટી પડતાં, ફિલ્મનું સ્ક્રિનિંગ તરત જ બંધ કરી દેવામાં આવ્યું હતું અને ઘાયલોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જેમાં બાળકો પણ સામેલ છે.
`મહાવતાર નરસિમ્હા`ના પ્રદર્શન દરમિયાન અકસ્માત
થિયેટર સ્ટાફે દર્શકોને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને ઘટનાનું નિરીક્ષણ કરવા માટે તે હોલ બંધ કરી દીધો હતો. ઉપરાંત, હવે તપાસ કરવામાં આવી રહી છે કે આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો. જોકે, પીવીઆર સિનેમા અને મૉલ, જ્યાં થિયેટર સ્થિત છે, તેના મૅનેજમેન્ટે હજી સુધી આ ઘટના પર કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
OTT પર થશે રિલીઝ
ફિલ્મ ‘મહાવતાર નરસિમ્હા’ના બૉક્સ ઑફિસ કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે પહેલા દિવસે ૧.૭૫ કરોડની કમાણી કરી હતી. પરંતુ પછી ધીમે ધીમે ફિલ્મની કમાણી વધતી ગઈ. ફિલ્મને માઉથ વર્ડનો ફાયદો મળ્યો. ફિલ્મે બીજા દિવસે ૪.૬ કરોડ, ત્રીજા દિવસે ૯.૫ કરોડ, ચોથા દિવસે ૬ કરોડ, પાંચમા દિવસે ૭.૭ કરોડ, છઠ્ઠા દિવસે ૭.૭ કરોડ, સાતમા દિવસે ૭.૫ કરોડ, આઠમા દિવસે ૭.૭ કરોડ અને નવમા દિવસે ૧૫ કરોડની કમાણી કરી હતી. દસમા દિવસે ફિલ્મે ૨૩ કરોડની કમાણી કરી હોવાના અહેવાલ છે.