ફિલ્મના પ્રોડ્યુસર્સ-ડિરેક્ટર્સને રજનીકાંતમાં દેખાતુ નહતું હીરો મટીરિયલ

18 December, 2019 03:19 PM IST  |  Mumbai Desk | Aashu Patel

ફિલ્મના પ્રોડ્યુસર્સ-ડિરેક્ટર્સને રજનીકાંતમાં દેખાતુ નહતું હીરો મટીરિયલ

દક્ષિણનાં રાજ્યોમાં ઘણા લોકો જેમને ભગવાનની કક્ષાએ ગણે છે એવા અભિનેતા રજનીકાંતને કરીઅરની શરૂઆતની ૨૧ ફિલ્મોમાં વિલન તરીકેના જ રોલ મળ્યા હતા. રજનીકાંત હીરો બનવા ઇચ્છતા હતા; પણ તામિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકોને તેમનામાં ‘હીરો મટીરિયલ’ દેખાતું નહોતું. 

રજનીકાંતે ૧૯૭૫માં દક્ષિણના ખ્યાતનામ ફિલ્મસર્જક કે. બાલાચંદરની તામિલ ફિલ્મ ‘અર્પૂવ રાગાંગલ’થી ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી એ વખતે એ ફિલ્મના હીરો કમલ હાસન હતા. ‘અર્પૂવ રાગાંગલ’ ફિલ્મમાં તેમને વિલન તરીકેનો રોલ મળ્યો હતો એટલે એ ફિલ્મ પછી રજનીકાંતને નેગેટિવ રોલની જ ઑફર થવા માંડી હતી.
રજનીકાંત હીરો બનવા ઇચ્છતા હતા, પણ તેમને એવી તક આપવા માટે કોઈ પ્રોડ્યુસર્સ-ડિરેક્ટર્સ તૈયાર થતા નહોતા એટલે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવવા માટે રજનીકાંતે નેગેટિવ રોલ સ્વીકારવા માંડ્યા. ૧૯૭૫માં તેમની એક ફિલ્મ આવી. બીજા વર્ષે ૧૯૭૬માં તેમની પાંચ ફિલ્મો આવી અને ૧૯૭૭માં ૧૫ ફિલ્મો આવી ગઈ, પણ એ બધી ફિલ્મોમાં તેમના ભાગે વિલન જેવા જ રોલ આવ્યા હતા.
૧૯૭૬માં ડાયરેક્ટર પુટ્ટના કાનાગલે તેમને કન્નડ ફિલ્મ ‘કથા સંગમા’ અને કે. બાલાચંદરે એ જ વર્ષે તેમને તેલુગુ ફિલ્મ ‘અંથુલેની કથા’માં નેગેટિવ રોલ આપ્યા. એ જ રીતે દક્ષિણની જાણીતી હિરોઇન સુજાતા સામે જુલમી પતિ તરીકે તેમણે ‘આવારગલ’ ફિલ્મમાં, વુમનાઇઝર તરીકે ‘મૂંડરુ મુડિચુ’ ફિલ્મમાં અને પી. ભગતરાજની ‘૧૬, વયાથિનિલે’ ફિલ્મમાં હવસખોર ગામડિયા તરીકે રોલ કર્યો હતો. થોડાં વર્ષો પછી જે ભારતનો જ નહીં, એશિયાનો સુપરસ્ટાર સાબિત થવાનો હતો એ અભિનેતાને ફિલ્મસર્જકો આવા નેગેટિવ રોલ જ આપતા હતા.
૧૯૭૫માં પહેલી ફિલ્મ ‘અર્પૂવ રાગાંગલ’થી ત્રણ વર્ષ સુધી રજનીકાંતે કમલ હાસન સાથે જેટલી ફિલ્મો કરી એ તમામમાં કમલ હાસન હીરો હતા. કે. બાલાચંદર સાથે ૧૯૭૬માં તેલુગુ ફિલ્મ ‘અંથુલેની કથા’માં રજનીકાંતે અભિનય કર્યો હતો. એમાં હીરો કમલ હાસન અને હિરોઇન જયા પ્રદા હતાં. ૧૯૭૬માં ‘મૂંડરુ મુડિચુ’ ફિલ્મમાં હીરો કમલ હાસન અને હિરોઇન શ્રીદેવી હતાં, તો ‘આવારગલ’માં કમલ હાસન અને સુજાતા હતાં. ૧૯૭૭માં ‘૧૬, વયાથિનિલે’માં વળી કમલ હાસન અને શ્રીદેવી હીરો-હિરોઇન હતાં. ૧૯૭૭માં જ આવેલી ‘આડુ પુલી અટ્ટમ’માં કમલ હાસન, શ્રીપ્રિયા અને સંગીતા લીડ રોલમાં હતાં અને એ જ વર્ષે તામિલ ફિલ્મ ‘ઇલિમાઇ ઉન્જાલાડુકિરાથુ’માં કમલ હાસન, જયચિત્રા અને શ્રીપ્રિયા હતાં, તો વળી ૧૯૭૮માં ‘વ્યાસુ પિલિચિન્ડી’માં પણ એ જ ત્રિપુટી લીડ રોલમાં હતી.
રજનીકાંતને મુખ્ય હીરો તરીકે સૌપ્રથમ તક ૧૯૭૮માં ‘બૈરાવી’ ફિલ્મથી મળી. એ પછી એસ. પી. મુથુરામનની ‘ભુવના ઓરુ કેલ્વી કુરી’ ફિલ્મને કારણે રજનીકાંતને ડઝનબંધ ફિલ્મોની ઑફર મળવા માંડી અને દબાયેલી સ્પ્રિંગ ઊછળે એ રીતે રજનીકાંતની પ્રતિભા દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઊભરી આવી. પાંચ વર્ષમાં તો તેમણે ૫૦ ફિલ્મોમાં અભિનય કરી લીધો હતો.
રજનીકાંતની પચાસમી ફિલ્મ ‘ટાઇગર’ હતી, જેમાં તેમણે દક્ષિણની ફિલ્મોના એ સમયના સુપરસ્ટાર એન. ટી. રામારાવ (આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન) સાથે અભિનય કર્યો હતો. રજનીકાંત ૧૯૮૦ સુધીમાં તો દક્ષિણ ભારતીય ફિલ્મઉદ્યોગના મોટા સ્ટાર બની ગયા હતા. એ વખતે તેમની કમલ હાસન સાથેની ફિલ્મોમાં તેમનું નામ પહેલાં અને કમલ હાસનનું પાછળ મુકાવા લાગ્યું હતું.

rajinikanth bollywood bollywood gossips bollywood news