સહારા પર આવેલી સેબીની તવાઈને કારણે બોની કપૂરને પણ તકલીફ : મૉર્ગેજ થઈ શકે છે પ્રૉપર્ટી

10 December, 2013 06:26 AM IST  | 

સહારા પર આવેલી સેબીની તવાઈને કારણે બોની કપૂરને પણ તકલીફ : મૉર્ગેજ થઈ શકે છે પ્રૉપર્ટી


આ વાત બીજા કોઈને ન સમજાય એવું બની શકે, પણ પ્રોડ્યુસર અને શ્રીદેવીના પતિદેવ બોની કપૂર બહુ સારી રીતે સમજી શકે છે, કારણ કે સહારા અને શૅરબજારનું નિયમન કરતી સંસ્થા સેબીના બગડેલા સંબંધોની સીધી અસર બોની કપૂર પર થાય એવી પૂરી શક્યતા છે અને આ જ કારણે બોની કપૂરની પ્રૉપર્ટી મૉર્ગેજ મુકાઈ જાય એવી સંભાવના પણ ઊભી થઈ છે.

વાત જાણે એમ છે કે બોની કપૂર સહારા ગ્રુપની કંપની સહારા મોશન પિક્ચર્સમાં લાંબા સમય સુધી ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર હતા, પણ સંદીપ ભાર્ગવ તેમના સ્થાને આવી ગયા છે અને સહારા અને બોની અલગ થઈ ગયાં છે. ગયા ડિસેમ્બરથી બોની કપૂર સહારા પિક્ચર્સની ઑફિસમાં પણ દેખાતા નથી જેનો અર્થ સીધો એવો છે કે સહારા અને બોની જાન્યુઆરીથી છૂટાં પડી ગયાં છે. છૂટા પડ્યાના આટલા સમય પછી સહારા ગ્રુપના સહારાશ્રી સુબ્રત રૉયે બોની કપૂરને બોલાવીને જાણકારી આપી દીધી છે કે બોનીએ જે રકમ સહારામાંથી લીધી છે એ રકમ જો સહારાને ચૂકવવામાં નહીં આવે તો ગ્રુપે સેબીમાં જે સિક્યૉરિટી જમા કરાવવાની છે એમાં ગ્રુપ બોની કપૂરની એ બધી પ્રૉપર્ટી મૂકી દેશે જે પહેલાંથી જ સહારા ગ્રુપ પાસે બોની કપૂરે મૉર્ગેજમાં મૂકી છે.

વાત જાણે એમ છે કે બોની કપૂરે સહારા ગ્રુપ પાસેથી ૮૫ કરોડ રૂપિયા જેવી રકમ લીધેલી છે. કહેવાય છે કે બોની કપૂરે ફિલ્મ ‘નો એન્ટ્રી’ બનાવી એ સમયથી સહારા અને બોની વચ્ચે આ વ્યવહાર ચાલતો આવે છે. આ રકમ માટે સહારા અને બોની કપૂર વચ્ચે પેપરવર્ક પણ થયું છે જેમાં એ વાત પણ નોંધવામાં આવેલી છે કે આ રકમ સામે બોની કપૂર સહારા ગ્રુપમાં પોતાની પ્રૉપર્ટી મૉર્ગેજ મૂકી રહ્યા છે. આ રકમ હજી સુધી ચૂકવવામાં આવી ન હોવાથી અને સહારા પર સેબીની તવાઈ આવી હોવાથી સહારા ગ્રુપ હવે બોની કપૂર સાથે સંબંધો ભૂલીને કડક થઈ રહ્યું છે.

એવું નથી કે સુબ્રતો રૉય અને બોની કપૂર વચ્ચે કોઈ સામાન્ય સંબંધો હતા. આ બન્ને વચ્ચે અતૂટ ભાઈબંધી હતી. શ્રીદેવીને જ્યારે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અવૉર્ડ આપવામાં આવ્યો ત્યારે એપ્રિલ મહિનામાં સુબ્રત રૉય અને તેમનાં વાઇફ સ્વપ્ના રૉયે ખાસ પાર્ટી રાખી હતી જેમાં અનેક મહાનુભાવોને બોલાવવામાં આવ્યા હતા, પણ આ સંબંધોમાં અંટસ આવ્યા પછી હવે બેઉ ફૅમિલી એકબીજાની સામે આવવાનું પણ ટાળે છે.

બોની કપૂર સહારા ગ્રુપની સહારા મોશન કંપનીના ર્બોડ પર હતા અને એ ઉપરાંત જે કોઈ ફિલ્મ બનતી એમાં કો-પ્રોડ્યુસર પણ હતા. જે રકમ તેમણે કંપનીમાંથી લીધી હતી એ રકમ તેમણે પાછી ચૂકવવાની હતી, પણ એ ચૂકવવામાં ન આવી એટલે વાત વધુ બગડી ગઈ અને હવે પ્રૉપર્ટી એક મૉર્ગેજમાંથી સેબીના મૉર્ગેજમાં જવા સુધી પહોંચી ગઈ છે.

- અસિરા તરન્નુમ