01 September, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા
શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા પોતપોતાની કરીઅરમાં આગળ વધી રહ્યાં છે. જોકે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા ચોપડા હવે શાહરુખ ખાનની એક અધૂરી લવ-સ્ટોરી બનાવવાનું પ્લાનિંગ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકાએ તેના પ્રોડક્શન-હાઉસ પર્પલ પેબલ પિક્ચર્સ હેઠળ એક નવો ભારતીય-સ્વીડિશ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે ‘ધ સાઇકલ ઑફ લવ’ નામની ડૉક્યુમેન્ટરી સાથે જોડાઈ છે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે આ પ્રોજેક્ટનું શાહરુખ ખાનની ફિલ્મ સાથે ખાસ કનેક્શન છે.
હકીકતમાં આ ડૉક્યુમેન્ટરી લાંબા સમયથી બંધ પડેલી બૉલીવુડ ફિલ્મ ‘ઇઝહાર’ સાથે જોડાયેલી છે. આ વાર્તા પર સંજય લીલા ભણસાલીએ ૨૦૧૩માં એક ફીચર ફિલ્મ બનાવવાનું આયોજન કર્યું હતું જેમાં શાહરુખ ખાન પી. કે. મહાનંદિયાની ભૂમિકા ભજવવાનો હતો. આ ફિલ્મ એક એવા ભારતીય યુવાનની કહાણી હતી જે માત્ર થોડાં પેઇન્ટબ્રશ અને સેકન્ડહૅન્ડ સાઇકલ સાથે તેની પ્રેમિકાને શોધવા એશિયા અને યુરોપની યાત્રાએ નીકળે છે. જોકે કોઈક કારણસર આ ફિલ્મ ચૂપચાપ બંધ કરી દેવામાં આવી હતી. હવે આ વાર્તા પરથી પ્રિયંકા ડૉક્યુમેન્ટરી બનાવવાની છે.
પી. કે. મહાનંદિયા કોણ છે?
‘ધ સાઇકલ ઑફ લવ’ એક ડૉક્યુમેન્ટરી છે જે દિલ્હીના સ્ટ્રીટ-આર્ટિસ્ટ પી. કે. મહાનંદિયાની પ્રેમકથા દર્શાવે છે. ૧૯૭૭માં તેણે તેની પ્રેમિકા શાર્લોટ વૉન શેડવિનને મળવા માટે ભારતથી સ્વીડન સુધી ૧૦,૦૦૦ કિલોમીટર જેટલું અંતર સેકન્ડહૅન્ડ સાઇકલ પર કાપ્યું હતું. તેણે સ્વીડન પહોંચીને તેની પ્રેમિકા સાથે લગ્ન કર્યાં હતાં.