બૉક્સિંગ-સ્ટાર મૅરી કૉમનો રોલ ભજવવા આખરે પ્રિયંકા ફાઇનલ

27 November, 2012 06:00 AM IST  | 

બૉક્સિંગ-સ્ટાર મૅરી કૉમનો રોલ ભજવવા આખરે પ્રિયંકા ફાઇનલ



પ્રિયંકા ચોપડા ફરી પાછી મહિલાકેન્દ્રી ફિલ્મમાં કામ કરવાની છે, કારણ કે મળતી માહિતી પ્રમાણે હાલમાં તેને ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી ઑલિમ્પિક મેડલ-વિનર મૅરી કૉમના જીવન પરથી જે ફિલ્મ બનાવવાનું આયોજન કરી રહ્યા છે એમાં મૅરી કૉમનો રોલ ભજવવા માટે સાઇન કરવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીથી હાથ ધરવામાં આવશે. આ ફિલ્મની વાર્તા મૅરી કૉમના જીવનની આસપાસ આકાર લેતી હોવાને કારણે એમાં કોઈ હીરો નહીં હોય. સંજય લીલા ભણસાલી હાલમાં રોમિયો અને જુલિયટની સ્ટોરીને ગુજરાતી બૅકગ્રાઉન્ડમાં રાખીને ફિલ્મ બનાવી રહ્યા છે અને એમાં હિરોઇન તરીકે દીપિકા પાદુકોણને સાઇન કરવામાં આવી છે. સંજય પહેલાં આ ફિલ્મમાં પણ પ્રિયંકાને જ સાઇન કરવા માગતા હતા, પરંતુ તારીખોની સમસ્યાને લીધે એ શક્ય નહોતું બન્યું. જોકે આ મુદ્દે પ્રિયંકા કે સંજય લીલા ભણસાલી બન્નેમાંથી કોઈએ સ્પષ્ટતા કરવાનું પસંદ નથી કર્યું.