13 June, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ તસવીરમાં પ્રિયંકા ચોપડા પિતા સાથે કોઈ બર્ફીલી જગ્યાએ રજાઓનો આનંદ માણતી જોવા મળી રહી છે
પ્રિયંકા ચોપડા ઘણી વખત સોશ્યલ મીડિયા પર પોતાના અંગત જીવનની પળો શૅર કરતી રહે છે. પ્રિયંકાના પપ્પા ડૉ. અશોક ચોપડાનું ૨૦૧૩ની ૧૦ જૂને બીમારીના કારણે નિધન થયું હતું.
મંગળવારે ડૉ. ચોપડાની બારમી પુણ્યતિથિ હતી. આ દિવસે પ્રિયંકાએ પિતાને યાદ કરીને એક હૃદયસ્પર્શી તસવીર શૅર કરી છે. આ પોસ્ટમાં પ્રિયંકાએ પોતાના બાળપણની એક તસવીર શૅર કરી છે, જેમાં તે પોતાના પિતા સાથે જોવા મળી રહી છે. પિતાને યાદ કરતાં પ્રિયંકાએ લખ્યું છે કે ‘હું તમને દરરોજ યાદ કરું છું પાપા.’
આ તસવીરમાં તે પિતા સાથે કોઈ બર્ફીલી જગ્યાએ રજાઓનો આનંદ માણતી જોવા મળી રહી છે.
પ્રિયંકા પોતાના પપ્પાની બહુ નજીક હતી અને આમ છતાં તે પોતાના પિતાના નિધનના થોડા દિવસો પછી તરત જ કામ પર પાછી ફરી હતી. એ સમયે પ્રિયંકા ‘મૅરી કૉમ’ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. પ્રિયંકાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું મારા પિતાના અંતિમ સંસ્કારના ચાર દિવસ પછી જ કામ પર પાછી ફરી હતી, કારણ કે મારા પિતા એવું જ ઇચ્છતા હતા. આ ઉપરાંત પ્રિયંકાએ જણાવ્યું હતું કે તેણે પોતાનું સમગ્ર દુઃખ ફિલ્મના ફાઇટ-સીનમાં લગાવી દીધું હતું.’