પ્રિયંકાએ મિસ વર્લ્ડ બન્યાં પછી પણ તામિલ ફિલ્મથી કરીઅરની શરૂઆત કરી હતી

22 January, 2020 01:56 PM IST  |  Mumbai | Ashu Patel

પ્રિયંકાએ મિસ વર્લ્ડ બન્યાં પછી પણ તામિલ ફિલ્મથી કરીઅરની શરૂઆત કરી હતી

થમિઝાન

જી હા, પ્રિયંકા ચોપડાને તામિલ ફિલ્મથી ૨૦૦૨માં કરીઅરની શરૂઆત કરવી પડી હતી અને તેની કરીઅરની સૌપ્રથમ ફિલ્મ એવી તામિલ ફિલ્મ ‘થમિઝાન’ રિલીઝ થઈ ત્યારે વિવેચકોએ પ્રિયંકા માટે લખ્યું હતું કે આ અભિનેત્રીમાં કોઈ દમ નથી! ફિલ્મ સારી બની છે, પણ આ છોકરીના અભિનયમાં ભલી વાર નથી!

પ્રિયંકા મિસ વર્લ્ડ બની ગઈ એ પછી તેને એમ હતું કે ધડાધડ હિન્દી ફિલ્મ્સની ઑફર આવવા માંડશે. એવું બન્યું પણ ખરું. પ્રિયંકા મિસ વર્લ્ડ બની એ સાથે તેને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક ઑફર્સ મળી અને ઘણા બધા ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સને મળ્યાં પછી પ્રિયંકાએ એક રોમૅન્ટિક થ્રિલર ફિલ્મથી બૉલીવુડમાં પ્રવેશવાનું નકકી કર્યું, પણ પછી એ ફિલ્મમાંથી તેને પડતી મૂકી દેવાઈ. એ વખતે ડિરેક્ટરે કહ્યું કે પ્રિયંકાએ ફિલ્મ છોડી છે અને પ્રિયંકાએ કહ્યું કે ડિરેક્ટરે મને પડતી મૂકી છે.

જે બન્યું હોય તે, પણ એ પછી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ તેને તક આપવા તૈયાર નહોતું એટલે છેવટે તેણે તામિલ ફિલ્મથી ડેબ્યુ કરવું પડ્યું હતું. ‘થમિઝાન’ ફિલ્મ મજીથે ડિરેક્ટ કરી હતી અને જી. વેન્કટેશ્વરને પ્રોડ્યુસ કરી હતી. એ ફિલ્મની સ્ટોરી પણ મજીથની જ હતી. એ ફિલ્મમાં પ્રિયંકાની સાથે હીરો તરીકે એ વખતનો જાણીતો હીરો વિજય હતો અને એ ફિલ્મમાં નાસ્સર, રેવતી અને વિવેકે પણ અભિનય કર્યો હતો.

એ ફિલ્મની સ્ટોરી એવી હતી કે સૂર્યા (વિજય) નામનો એક વકીલ ઉચ્ચ મૂલ્યો સાથે જીવે છે અને તે બધી સમસ્યાનો હલ કાનૂની રીતે કાઢવા માટે મથી રહ્યો છે. તે પ્રિયા (પ્રિયંકા ચોપડા)ના પ્રેમમાં પડે છે. તેના જીજાજી શક્તિવેલ પણ જાણીતા વકીલ છે અને ન્યાય મેળવવાની કોશિશમાં તેમનું ખૂન થઈ જાય છે. એ પછી સૂર્યાની બેન જયા એટલે કે રેવતીને પણ ગુંડાઓ બહુ ક્રૂર રીતે મારી નાખે છે. જોકે સૂર્યા એનાથી હારી જવાના બદલે મક્કમ રીતે પોતાની લડાઈ આગળ ધપાવે છે અને તે સામાન્ય વ્યક્તિને તેના લીગલ રાઇટ્સ એટલે કે કાનૂની હક સમજાવવા માટેનું મિશન જારી રાખે છે.

એ ફિલ્મ ૨૦૦૨ની ૧૨ એપ્રિલે રિલીઝ થઈ હતી અને એ ફિલ્મ રિલીઝ થઈ એ વખતે તામિલ પત્રકારોએ પ્રિયંકાની શાબ્દિક ધુલાઈ કરી નાખી હતી. ફિલ્મ ક્રિટિક્સ પ્રિયંકા પર તૂટી પડ્યા હતા. કોઈએ તો એવું પણ લખ્યું હતું કે આટલી વહિયાત ઍક્ટિંગ કરનારી છોકરી હિરોઇન તરીકે કઈ રીતે ચાલે! એક જાણીતા તામિલ પત્રકારે તો એવું લખી નાખ્યું કે આ છોકરી મોટે ઉપાડે હિરોઇન બનવા નીકળી પડી છે પણ તેનામાં અભિનયની કોઈ સૂઝ જ નથી. તો એક પત્રકારે વળી એવું લખ્યું કે આ છોકરીના અભિનયમાં બિલકુલ ઊંડાણ નથી!

માત્ર તામિલ પત્રકારોએ જ નહીં, પ્રિયંકા હિન્દી ફિલ્મ્સની હિરોઇન બની એ પછી હિન્દી અને અંગ્રેજી ફિલ્મ ક્રિટિક્સે પણ પ્રિયંકાના નામનું ઠંડે કલેજે નાહી નાખ્યું હતું! એ વિશે પછી વાત કરીશું.

priyanka chopra bollywood news entertaintment