પત્ની શોધતી વખતે તેની વર્જિનિટી પર નહીં, સારા મૅનર્સ પર ધ્યાન આપો

28 June, 2025 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા ચોપડાના નામે ફરતી આ પોસ્ટ બનાવટી હોવાની સ્પષ્ટતા તેણે કરી

પ્રિયંકા ચોપડાના નામે ફરતી પોસ્ટ

હાલમાં સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાઇરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રિયંકા ચોપડાએ પુરુષોને સલાહ આપી છે કે તેઓ પત્નીની શોધ કરતી વખતે વર્જિનિટી પર ધ્યાન ન આપે. જોકે પ્રિયંકાએ આ વાતનો ઇનકાર કર્યો છે અને દાવો કર્યો છે કે મેં આવું કંઈ જ નથી કહ્યું. પ્રિયંકાએ આ પોસ્ટને બનાવટી ગણાવી છે. તેણે કહ્યું હતું કે ઑનલાઇન વાઇરલ થયું હોવાથી કોઈ કન્ટેન્ટ સાચું નથી થઈ જતું.

પ્રિયંકા ચોપડાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં સ્પષ્ટતા કરતું એક પોસ્ટર શૅર કર્યું છે. આ પોસ્ટમાં તેણે એ લિન્ક શૅર કરી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રિયંકાએ કહ્યું છે કે પત્ની શોધતી વખતે તેની વર્જિનિટી પર ધ્યાન આપવાને બદલે તેના સારા મૅનર્સ પર ધ્યાન આપો.

પ્રિયંકાએ આ પોસ્ટને બનાવટી ગણાવતાં કહ્યું હતું કે ‘આ મેં કહેલી વાત નથી કે ન તો આ મારો અવાજ છે. ઑનલાઇન હોવાનો અર્થ એ નથી કે એ સાચું છે. નકલી કન્ટેન્ટ બનાવવું હવે વાઇરલ થવાનો સરળ રસ્તો બની ગયો છે.’

પ્રિયંકાએ લોકોને અપીલ કરી છે કે ‘સોશ્યલ મીડિયા પર વસ્તુઓ જોતી વખતે ખૂબ સાવધાન રહો.

ઇન્ટરનેટ પર ઉપલબ્ધ દરેક વસ્તુ પર ભરોસો ન કરો. દરેક લિન્ક વિશ્વસનીય નથી હોતી. ભરોસો કરતાં પહેલાં એને તપાસો. આવા કન્ટેન્ટ પર ભરોસો ન કરો. દરેક વસ્તુ પર ભરોસો ન કરો અને ઑનલાઇનથી સુરક્ષિત રહો.’

priyanka chopra social media viral videos entertainment news bollywood bollywood news bollywood gossips bollywood buzz