26 March, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મિતા પાટીલનો દીકરો પ્રતીક
રાજ બબ્બર અને સ્મિતા પાટીલનો દીકરો પ્રતીક અત્યાર સુધી પ્રતીક બબ્બરના નામે ઓળખાતો હતો, પણ હવે તેણે પોતાનું નામ બદલીને પ્રતીક સ્મિતા પાટીલ કરી નાખ્યું છે. આમ પ્રતીકે પોતાના પપ્પા રાજ બબ્બરનું નામ છોડીને પોતાની દિવંગત મમ્મી સ્મિતા પાટીલનું નામ અપનાવ્યું છે. પોતાના આ નિર્ણય વિશે પ્રતીકે જણાવ્યું કે હું કોઈની પરવા કરતો નથી, માત્ર એ જ વિચારું છું કે મને અને મારા આત્માને શું સારું લાગે છે.
પ્રતીક અને પ્રિયા બૅનરજીએ આ વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ લગ્ન કર્યાં હતાં અને એમાં રાજ બબ્બર તથા તેમનાં સાવકા ભાઈ-બહેન જુહી અને આર્ય બબ્બરને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. આ મહત્ત્વના દિવસે બબ્બર-પરિવારની ગેરહાજરીને કારણે ઘણી અટકળો ચાલી રહી હતી કે કદાચ પ્રતીક અને બબ્બર-પરિવાર વચ્ચેના સંબંધમાં કોઈ અંતર આવી ગયું હશે અથવા કોઈ નારાજગી હશે. આ મુદ્દે પ્રતીકે અનેક સવાલનો સામનો કરવો પડી રહ્યો છે, પણ તેણે આ મુદ્દે કોઈ સ્પષ્ટતા નથી કરી.
પ્રતીકે લગ્ન પણ સ્મિતા પાટીલના બાંદરાના ઘરે કર્યાં હતાં. એ ઘર તેની મમ્મીએ ખરીદ્યું હતું. પ્રતીક તેના મોસાળની નજીક છે, કારણ કે સ્મિતા પાટીલના નિધન બાદ પ્રતીકનો ઉછેર તેના નાના-નાનીએ કર્યો હતો.