પ્રાણનું દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માન થયું

11 May, 2013 09:47 AM IST  | 

પ્રાણનું દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માન થયું




પીઢ અભિનેતા પ્રાણને ગઈ કાલે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન મનીષ તિવારીના હસ્તે આપવામાં આવ્યો હતો. પ્રાણની તબિયત સારી ન હોવાથી તેમને ગઈ કાલે મુંબઈમાં તેમના નિવાસસ્થાને જઈને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ફિલ્મક્ષેત્રે આ સર્વોચ્ચ પુરસ્કાર ગણાય છે.

ફિલ્મી પડદે વિલન તરીકે પ્રસિદ્ધિ પામેલા અને લગભગ ૪૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા પ્રાણને ૯૩ વર્ષની ઉંમરે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો જેમાં સુવર્ણ કમળ, શાલ અને રોકડ રકમનો સમાવેશ છે.

 છ દાયકાથી વધુ સમય સુધી અભિનય કરનારા પ્રાણનું મૂળ નામ પ્રાણ કિશન સિકંદ છે. તેમનો દિલ્હીના એક ધનાઢ્ય પંજાબી કુટુંબમાં જન્મ થયો હતો. ૧૯૪૫માં રજૂ થયેલી ‘યમલા જટ’ ફિલ્મમાં વિલનની ભૂમિકાથી તેમણે ફિલ્મક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. શરૂઆતનાં વર્ષો તેઓ લાહોરમાં રહ્યા હતા. ત્યાં તેમણે બાવીસ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. દેશના વિભાજન બાદ તેઓ મુંબઈમાં સ્થાયી થયા હતા. રાઇટર સઆદત હસન મન્ટોએ તેમને દેવ આનંદની ૧૯૪૮માં આવેલી ‘ઝિદ્દી’માં કામ મેળવી આપવામાં મદદ કરી હતી. ૧૯૬૯થી ૧૯૮૨ સુધી તેઓ ફિલ્મી પડદે વિલન તરીકે કામ કરતા રહ્યા હતા. ૧૯૭૩માં રજૂ થયેલી ‘ઝંજીર’, ‘ઉપકાર’ અને ૧૯૭૮માં આવેલી ‘ડૉન’માં તેમના અભિનયથી તેમણે લોકોમાં અદ્ભુત ચાહના મેળવી હતી. ‘મિલન’, ‘મધુમતી’ અને ‘કશ્મીર કી કલી’ જેવી ફિલ્મોમાં તેમણે ભજવેલો વિલનનો કિરદાર લોકોને ઘણો ગમ્યો હતો. વર્ષો સુધી ફિલ્મી પડદે વિલનનો રોલ ભજવ્યા બાદ તેમણે ચરિત્ર-અભિનેતા તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી.