દુઆ પાદુકોણ સિંહ બહુ જ મિલનસાર છે અને તે લગભગ દરેક વ્યક્તિને હેલો કહે છે

17 June, 2026 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણે દોહિત્રી વિશે તેમ જ દીકરી-જમાઈની પેરન્ટિંગ સ્ટાઇલ વિશે વાત કરી

દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ

દીપિકા પાદુકોણના પિતા અને જાણીતા બૅડ્‍મિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણ આમ તો બહુ લો-પ્રોફાઇલ રહેવાનું પસંદ કરે છે પણ હાલમાં તેમણે દોહિત્રી દુઆ પાદુકોણ સિંહ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. આ સાથે તેમણે દીકરી દીપિકા અને જમાઈ રણવીર સિંહની પેરન્ટિંગ સ્ટાઇલ વિશે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

પ્રકાશ પાદુકોણે દોહિત્રી દુઆ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘દુઆ ખૂબ જ પ્રેમાળ અને મિલનસાર છે અને દીપિકા તેમ જ રણવીર બન્ને ‘હૅન્ડ્સ-ઑન પેરન્ટ્સ’ છે અને બન્ને પોતાની દીકરીની સંભાળમાં સક્રિય રીતે જોડાયેલાં રહે છે. જોકે દીપિકા વધુ જવાબદારીઓ સંભાળે છે, પણ જ્યારે રણવીર કામમાં વ્યસ્ત ન હોય ત્યારે તે પણ ઘણી મદદ કરે છે. બન્નેના પરિવારો પણ હંમેશાં મદદ માટે તૈયાર રહે છે.’

નાના તરીકે પોતાનો અનુભવ જણાવતાં પ્રકાશ પાદુકોણે કહ્યું હતું કે ‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે નાના બન્યા પછી મારું જીવન આટલું બદલાઈ જશે. પહેલાં મને આશ્ચર્ય થતું હતું કે દાદા-દાદી અથવા નાના-નાની પોતાનાં સંતાનોનાં સંતાન પર આટલો પ્રેમ કેમ વરસાવે છે, પણ હવે હું આ લાગણીઓને સારી રીતે સમજી શકું છું. જ્યારે પણ દુઆ બૅન્ગલોર આવે છે ત્યારે હું અને મારી પત્ની તેને સામાન્ય જીવનના એવા નાના-નાના અનુભવો કરાવવાનો પ્રયાસ કરીએ છીએે જે સામાન્ય રીતે સેલિબ્રિટી બાળકોને મળતા નથી. અમે દુઆને મેટ્રોમાં ફરવા લઈ જઈએ છીએ, ઑટો-રિક્ષાની સવારી કરાવીએ છીએ અને સાંજે પાર્કમાં પણ લઈ જવાનું પસંદ કરીએ છીએ. અમે કૅમ્પ સ્ટેશન પાસે રહીએ છીએ તેથી તેને ટ્રેનો જોવી પણ ખૂબ ગમે છે. દુઆ ખૂબ જ મિલનસાર છે. તે લોકોને ઝડપથી ઓળખી લે છે અને બધાની સાથે ભળી જાય છે. તે લગભગ દરેકને ‘હેલો’ કહે છે. નાની ઉંમરથી જ તે મુસાફરી કરી રહી છે જેના કારણે તેને ઘણો ફાયદો થયો છે. તે ખૂબ ઝડપથી મોટી થઈ રહી છે અને હાલમાં તેના જીવનનો ખૂબ જ રસપ્રદ તબક્કો ચાલી રહ્યો છે.’

prakash padukone deepika padukone ranveer singh parenting tips entertainment news bollywood bollywood news