પ્રકાશ ઝાની સત્યાગ્રહ વિરુદ્ધ સ્થાનિક લોકોનો સત્યાગ્રહ

10 December, 2012 08:01 AM IST  | 

પ્રકાશ ઝાની સત્યાગ્રહ વિરુદ્ધ સ્થાનિક લોકોનો સત્યાગ્રહ




હાલમાં ‘સત્યાગ્રહ’ નામની ફિલ્મ બનાવી રહેલા ફિલ્મમેકર પ્રકાશ ઝાને ભાગ્યે જ ખ્યાલ આવ્યો હશે કે ભવિષ્યમાં તેમણે પણ આ ફિલ્મને કારણે ભોપાલના સ્થાનિકોના સત્યાગ્રહનો ભોગ બનવું પડશે. હાલમાં ફિલ્મમેકર પર ભોપાલના હેરિટેજ પૅલેસમાં સમાવેશ થતા બેનઝીર પૅલેસના પ્લેગ્રાઉન્ડમાં ગેરકાયદે બાંધકામ કરવાનો આરોપ મુકાયો છે. આ ગ્રાઉન્ડ પરથી જ મહાત્મા ગાંધીએ પહેલી વખત ૧૯૨૯માં સત્યાગ્રહની જાહેરાત કરી હતી.

આ મામલામાં ભોપાલ સિટિઝન્સ ફોરમે ફિલ્મના શૂટિંગ માટે આ ઐતિહાસિક મહત્વ ધરાવતા ગ્રાઉન્ડમાં પાકો રસ્તો બાંધવાના અને બીજા કન્સ્ટ્રક્શનનો વિરોધ કર્યો છે. તેમનો દાવો છે કે આવા કામચલાઉ બાંધકામને કારણે ગ્રાઉન્ડના ઐતિહાસિક મહત્વને તો નુકસાન પહોંચે જ છે, પણ સાથે-સાથે આસપાસનાં બાંધકામ પર પણ એની અસર થાય છે. એની આસપાસ આવેલાં ઐતિહાસિક બાંધકામોમાં ભોપાલના નવાબે બંધાવેલા તાજમહલ પૅલેસનો પણ સમાવેશ છે.

મળતી માહિતી પ્રમાણે શહેરના ઍડ્મિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટે કરેલા દાવા પ્રમાણે મધ્ય પ્રદેશની રાજ્ય સરકારે આ ફિલ્મના શૂટિંગ માટે પ્રકાશ ઝાને લીલી ઝંડી આપી દીધી છે અને આ ફિલ્મનું શૂટિંગ ૨૬ જાન્યુઆરીથી શરૂ થવાનું છે. આ ફિલ્મના ૮૦ ટકા જેટલા હિસ્સાનું શૂટિંગ અહીં થવાનું છે. આ વિવાદ વિશે વાત કરતાં નામ ન આપવાની શરતે એક ડિસ્ટ્રિક્ટ-ઑફિસર કહે છે, સામાન્ય રીતે આ જગ્યા દર મહિને બે લાખ રૂપિયાના ભાડા પર આપવામાં આવે છે, પણ ‘સત્યાગ્રહ’ના યુનિટને આ જગ્યા મહિનાના માત્ર ૨૫,૦૦૦ રૂપિયાના ભાડાથી આપવામાં આïવી છે.

હાલમાં વિરોધ થયા બાદ ડિસ્ટ્રિક્ટ-કલેક્ટરે ફિલ્મના પ્રોડ્યુસરોને ઍફિડેવિટ ફાઇલ કરવા જણાવ્યું છે. એમાં તેમણે બાંયધરી આપવી પહશે કે તેઓ પૅલેસના ગ્રાઉન્ડને કોઈ નુકસાન નહીં પહોંચાડે અને શૂટિંગ પછી એને એના ઓરિજિનલ ફૉર્મમાં પરત લાવવામાં આવશે.

પ્રકાશ ઝાના સાથીદાર ઝુલ્ફિકાર અલી કહે છે, ‘પ્રકાશ ઝાએ આ પહેલાં તેમની ત્રણ ફિલ્મોનું ભોપાલમાં શૂટિંગ કર્યું છે અને આ વખતે પણ અમે શક્ય એટલી જલદી ઍફિડેવિટ દાખલ કરી દઈશું. અમારી પાસે પૂરતી પરવાનગીઓ છે અને શૂટિંગ પછી ગ્રાઉન્ડને પહેલાંની જેમ જ કરી દેવામાં આવશે.’

આ વિવાદ પછી પ્રકાશ ઝાએ ખાતરી આપી હતી કે ફિલ્મનું શૂટિંગ નિયત સમયે જ શરૂ થશે.