"ફિલ્મોની પસંદગી હવે સમજી-વિચારીને"

07 August, 2012 05:47 AM IST  | 

"ફિલ્મોની પસંદગી હવે સમજી-વિચારીને"

બૉલીવુડમાં અંદાજે ચાર વર્ષ પસાર કર્યા બાદ પ્રાચી દેસાઈ હવે પોતાના માટે એક ખાસ જગ્યા બનાવી શકી છે. તેની લેટેસ્ટ ફિલ્મ ‘બોલ બચ્ચન’ને મળેલી સફળતાને કારણે તે ખુશખુશાલ છે. જોકે હવે તે આગામી ફિલ્મ બહુ સમજી-વિચારીને સાઇન કરવા માગે છે.  

તારી તાજેતરની સફળતા પછી તારા ચાહકો હવે તને વધારે મોટી ફિલ્મોમાં જોઈ શકશે?

સાચું કહું તો દર્શકોને એ વાતની નથી પડી હોતી કે ફિલ્મ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જો દર્શકોને વાર્તા અપીલ કરશે તો તે લો-બજેટ ફિલ્મ પણ જોવા જશે. હું ક્યારેય નાની અને મોટી ફિલ્મોમાં તફાવત નથી કરતી, કારણ કે મારી ઇચ્છા માત્ર સારી ફિલ્મમાં કામ કરવાની હોય છે.

શું તને તારી સ્વીટ ગર્લની ઇમેજ ચેન્જ કરવાની ઇચ્છા નથી થતી?

આ ઇમેજ તો મારો પ્લસ પૉઇન્ટ છે તો પછી હું શું કામ એને છોડું? જોકે મને આવા રોલમાં ટાઇપકાસ્ટ પણ નથી થવું અને એટલે જ હું બહુ ધ્યાન રાખીને મારા રોલની પસંદગી કરી રહી છું. ‘બોલ બચ્ચન’માં હું માત્ર સ્વીટ ગર્લ નહોતી, પણ મેં બેધડક પોતાનો મત વ્યક્ત કરી શકતી આઝાદ મિજાજની યુવતીનું પાત્ર ભજવ્યું હતું. આમ મારી ઇમેજ ન હોય એવા રોલ કરવામાં પણ મને વાંધો નથી.

તને લાગતું હતું કે ‘બોલ બચ્ચન’ને આટલી સફળતા મળશે?

આઇ ઍમ લકી ગર્લ! સાચી વાત કહું તો ફિલ્મની ટીમ હંમેશાં આ ફિલ્મની સફળતા વિશે આશાવાદી અને હકારાત્મક અભિગમ ધરાવતી હતી, પણ અંતિમ નિર્ણય દર્શકોના હાથમાં હોવાને કારણે તેમનો જે પ્રતિભાવ મળ્યો છે એ અત્યંત રોમાંચક છે.

તને લાગે છે કે તું ટીવી-સ્ટાર્સને ફિલ્મોમાં સફળતા નથી મળતી એ માન્યતાને તોડી શકે છે?

એક હદ સુધી. મેં સાબિત કર્યું છે કે હું એક ફિલ્મ પછી ખોવાઈ જનારી વન ફિલ્મ વન્ડર નથી. મને એ વાતની ખુશી છે કે મને એકબીજા કરતાં અલગ હોય એવા રોલ કરવાની તક મળી છે જેના કારણે હું મારી ક્ષમતા બતાવી શકી છું. મેં ક્યારેય એવો વિચાર નહોતો કર્યો કે હું ‘રૉક ઓન’, ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઇ’ તથા ‘બોલ બચ્ચન’ જેવી ફિલ્મોમાં કામ કરીશ.

અભિષેક બચ્ચન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

અભિષેક બચ્ચન સૌથી વધારે કામ કરવાની જેની સાથે મજા આવે તેવો સહકલાકાર છે. તે તમને સતત હસાવતો રહે છે અને તેની પાસે ગજબની સેન્સ ઑફ હ્યુમર છે. તેનું એનર્જી-લેવલ બહુ હાઈ છે. તેણે વારંવાર સાબિત કર્યું છે કે તે સારો ઍક્ટર છે. હું તેની સાથે કામ કરવાનો અનુભવ ચોક્કસ મિસ કરીશ. મને આશા છે કે ફરીથી તેની સાથે કામ કરવાની તક મળશે.

જૉન એબ્રાહમ સાથેની તારી ફિલ્મનું શું થયું?

હું ‘બોલ બચ્ચન’માં વ્યસ્ત હતી અને જૉન પોતાના પ્રોજેક્ટમાં. હવે ટૂંક સમયમાં અમે બાકીના હિસ્સાનું શૂટિંગ કરીશું. હું આ રોલ માટે બહુ ઉત્સાહી છું, પણ આ ફિલ્મના ભાવિ વિશે તો સાચો જવાબ પ્રોડ્યુસર જ આપી શકશે.

શું તું હજી તને ટીવીજગતમાં બ્રેક આપનાર એકતા કપૂરના સંપર્કમાં છે?

ચોક્કસ. હું એકતાના સંપર્કમાં છું.