મેં શિવપુરાણ, ગણેશપુરાણ, ઋગ્વેદ અને યજુર્વેદ પણ વાંચ્યાં છે

01 January, 2026 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં સંજય દત્તે પોતાના જેલના અનુભવો વિશે વાત કરતાં કહ્યું કે તે આધ્યાત્મિક બની ગયો હતો

સંજય દત્ત

સંજય દત્તે હાલમાં એક ઇન્ટરવ્યુમાં પોતાના જેલના અનુભવ વિશે વાત કરી છે અને કહ્યું હતું કે તે જેલમાં આધ્યાત્મિક બની ગયો હતો. સંજય ૧૯૯૩ના મુંબઈના સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટ કેસમાં હથિયાર રાખવાના આરોપસર દોષી ઠર્યો હતો અને તેણે પુણેની યેરવડા જેલમાં અંદાજે ૪૨ મહિના સજા ભોગવી હતી. ઇન્ટરવ્યુમાં પોતાના કારાવાસના દિવસો વિશે વાત કરતાં સંજયે કહ્યું હતું કે ‘જેલમાં મેં શિવપુરાણ, ગણેશપુરાણ, ઋગ્વેદ અને યજુર્વેદ પણ વાંચ્યાં હતાં. મેં આ પુસ્તકો મગાવ્યાં હતાં અને એ વાંચીને હું પંડિત બની ગયો છું એની કોઈને ખબર નથી. મેં જેલમાં રામાયણ, ગીતા અને કુરાન પણ વાંચ્યાં હતાં અને બાકી કેદીઓની જેમ જ કોઈ વિશેષ સુવિધા વગરનું સાદું જીવન જીવ્યો હતો.’

સંજય દત્તની સ્ક્રીન-પ્રેઝન્સ એટલી પ્રભાવશાળી છે કે તે સીનમાં હોય તો બીજું કોઈ દેખાતું જ નથી: ધ રાજાસાબની ઇવેન્ટમાં પ્રભાસે પોતાના સહકલાકારની ભરપૂર પ્રશંસા કરી

પ્રભાસને લીડ રોલમાં ચમકાવતી હૉરર-ફૅન્ટસી ફિલ્મ ‘ધ રાજા સાબ’ નવમી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.  આ ફિલ્મમાં પ્રભાસની સાથે સંજય દત્ત પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. હાલમાં હૈદરાબાદમાં યોજાયેલી ફિલ્મની પ્રી-રિલીઝ ઇવેન્ટમાં પ્રભાસે માત્ર ફિલ્મ વિશે જ નહીં, સંજય દત્ત વિશે પણ વાતો કરી.
આ ઇવેન્ટ દરમ્યાન પ્રભાસે જણાવ્યું કે જ્યારે તે ફિલ્મના ડબિંગ સેશનમાં સંજય દત્તના સીન જોઈ રહ્યો હતો ત્યારે પોતાની જાતને ભૂલી ગયો હતો. પોતાની લાગણી જણાવતાં પ્રભાસે કહ્યું, ‘સંજય દત્તની સ્ક્રીન-પ્રેઝન્સ એટલી પ્રભાવશાળી છે કે તે સીનમાં હોય તો બીજું કોઈ દેખાતું નથી. ખાસ કરીને ક્લોઝ-અપ શૉટ્સમાં તો સંજય દત્ત સંપૂર્ણ સ્ક્રીન પોતાના નામે કરી લે છે.’
‘ધ રાજા સાબ’ની સ્ટોરીમાં હિપ્નોટિઝમ, રહસ્ય અને રોમૅન્સનું મિશ્રણ બતાવવામાં આવ્યું છે, જે આ ફિલ્મને પરંપરાગત હૉરર ફિલ્મોથી અલગ બનાવે છે. આ ફિલ્મ હિન્દી સાથે તેલુગુ, તામિલ, કન્નડા અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે.

 

sanjay dutt prabhas bollywood buzz bollywood news bollywood gossips bollywood