18 December, 2021 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાગીને લગ્ન કરવા માટે પદ્મિની કોલ્હાપુરેને ઘરેણાં આપ્યાં હતાં પૂનમ ઢિલ્લને
પદ્મિની કોલ્હાપુરે જ્યારે પોતાના પરિવારની ખિલાફ જઈને ભાગીને લગ્ન કરવાની હતી ત્યારે પૂનમ ઢિલ્લને તેને પોતાનાં ઘરેણાં આપ્યાં હતાં. આના પરથી ખ્યાલ આવી જાય છે કે આ બન્નેમાં મિત્રતા કેટલી ગાઢ હતી. આ વાતનો ખુલાસો ઝીટીવી પરના શો ‘સા રે ગા મા પા’માં તેમણે કર્યો હતો. આ સિન્ગિંગ રિયલિટી શોમાં પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ઢિલ્લને સ્પેશ્યલ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. ફ્રેન્ડશિપ સ્પેશ્યલ એપિસોડમાં સચિન અને સ્નિગ્ધજિતે ‘તેરા યાર હૂં મૈં’ પર પર્ફોર્મ કર્યું હતું. બન્નેએ અનેક જૂની યાદોનાં પાનાં ઊથલાવ્યાં હતાં. ૮૦ના દાયકામાં બન્ને ખાસ ફ્રેન્ડ્સ હતી. પૂનમ ઢિલ્લનની પ્રશંસા કરતાં પદ્મિનીએ કહ્યું હતું કે ‘એ વખતે મને લાગ્યું કે પૂનમ સમર્પણ કરવામાં માને છે. મારાં માતા-પિતા મારાં લગ્નને લઈને જ્યારે સપોર્ટ નહોતાં કરતાં એવા સમયે અમારી ફ્રેન્ડશિપમાં તેણે ખૂબ યોગદાન આપ્યું છે. પૂનમે મને ઝણી મદદ કરી હતી.’
ત્યાર બાદ આખા કિસ્સા પર પ્રકાશ પાડતાં પૂનમ ઢિલ્લને કહ્યું હતું કે ‘પદ્મિનીએ ભાગીને લગ્ન કર્યાં હતાં અને એ વખતે તેણે જે ઘરેણાં પહેર્યાં હતાં એ બધાં અમે જ તેને આપ્યાં હતાં. અમે બધાં યુવાન હતાં. અમને જરા પણ અંદજ નહોતો કે તે લગ્નમાં શું પહેરશે? એથી અમે તેનાં કપડાંની વ્યવસ્થા કરી. અમે સાથે ઘણા બધા ઉતાર-ચડાવ, સુખ-દુ:ખ જોયાં હતાં. મારું માનવું છે કે ફૅમિલી તો ભગવાન પસંદ કરે છે, પરંતુ એક એવો સંબંધ છે જેને પસંદ કરવાની છૂટ આપણી પાસે છે અને એ છે ફ્રેન્ડશિપ. હું પણ ફ્રેન્ડશિપ માટે કંઈ પણ કરવા તૈયાર છું.’