03 August, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશી
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેવી વિવાદાસ્પદ ફિલ્મ બનાવનાર ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. રિપોર્ટ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં તેની અને તેની અભિનેત્રી-નિર્માતા પત્ની પલ્લવી જોશી વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસ મમતા બૅનરજીની પાર્ટી તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC) દ્વારા દાખલ કરવામાં આવ્યો છે અને તેમના પર આરોપ છે કે તેમની આગામી ફિલ્મ ‘ધ બેન્ગૉલ ફાઇલ્સ’ સાંપ્રદાયિક નફરત ફેલાવે છે. પોલીસ-ફરિયાદમાં ફિલ્મના ટીઝરનો પણ ઉલ્લેખ છે, જેમાં કહેવાયું છે કે એ રાજ્યમાં શાંતિભંગ કરી શકે છે.
વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશી હાલમાં વિદેશમાં છે. ૧૯ જુલાઈએ તેમણે ન્યુ જર્સીમાં ‘ધ બેન્ગૉલ ફાઇલ્સ’નું પ્રીમિયર આયોજિત કર્યું હતું. હવે ૧૦ ઑગસ્ટે હ્યુસ્ટનમાં પણ આવું જ આયોજન થવાનું છે. આ વિશે હજી સુધી વિવેક અગ્નિહોત્રી કે પલ્લવી જોશીનું કોઈ નિવેદન આવ્યું નથી.
આ ફિલ્મનું નામ પહેલાં ‘ધ દિલ્હી ફાઇલ્સ : ધ બેન્ગૉલ ચેપ્ટર’હતું, પરંતુ આ વર્ષે જૂન મહિનામાં નિર્માતાઓએ અચાનક એનું નામ બદલીને ‘ધ બેન્ગૉલ ફાઇલ્સ’ કર્યું. નિર્માતાઓએ દાવો કર્યો કે જ્યાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ દર્શકોને રડાવ્યા હતા ત્યાં ‘ધ બૅન્ગૉલ ફાઇલ્સ’ ડરાવશે. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ આ વર્ષે શિક્ષક દિવસના અવસરે પાંચ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. હાલમાં નિર્માતાઓ અમેરિકાનાં ૧૦ શહેરોમાં એનું વિશેષ પ્રીમિયર કરી રહ્યા છે.