કૅનેડામાં કપિલ શર્માની કૅફેમાં નાસ્તોપાણી કરવા પહોંચી પોલીસ

06 August, 2025 07:00 AM IST  |  Canada | Gujarati Mid-day Correspondent

ગોળીબારની ઘટનાની તપાસ સરે પોલીસ-સર્વિસની ફ્રન્ટલાઇન ઇન્વેસ્ટિગેટિવ સપોર્ટ (FLIS) ટીમ દ્વારા ચાલી રહી છે

કપિલ શર્માના કાફેમાં પોલીસ

કૉમેડિયન કપિલ શર્માના કૅનેડાના સરેમાં આવેલી રેસ્ટોરાં ‘કૅપ્સ કૅફે’ પર ૧૦ જુલાઈએ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના પછી સરે પોલીસ-સર્વિસે આ ઘટનાની તપાસ શરૂ કરી હતી અને બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલ (BKI)ના આતંકવાદી હરજિત સિંહ લડ્ડીએ સોશ્યલ મીડિયા પર આ હુમલાની જવાબદારી લીધી હતી. આ પછી ૨૦ જુલાઈએ કૅફે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. આ કૅફે ફરીથી ઓપન થતાં સ્થાનિક પોલીસ-અધિકારીઓએ ‘કૅપ્સ કૅફે’ની મુલાકાત લઈને અને ત્યાં ભોજન કરીને એનું સમર્થન દર્શાવ્યું જે કપિલ અને તેની ટીમ માટે ઉત્સાહવર્ધક હતું. કપિલે સોમવારે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો જેમાં સરેના મેયર બ્રેન્ડા લૉક અને સરે પોલીસ-સર્વિસના અધિકારીઓ કૅફેમાં ભોજનનો આનંદ માણતા જોવા મળ્યા. કપિલે આ પોસ્ટમાં લખ્યું, ‘મેયર બ્રેન્ડા લૉક, સરે પોલીસ-સર્વિસ અને તમામ અધિકારીઓ જેમણે કૅફેની મુલાકાત લઈને પોતાનો પ્રેમ અને સમર્થન દર્શાવ્યાં તેમનો આભાર. અમે હિંસા સામે એકજુટ થઈને ઊભા છીએ. અમે ખરેખર આભારી છીએ.’

હાલમાં ગોળીબારની ઘટનાની તપાસ સરે પોલીસ-સર્વિસની ફ્રન્ટલાઇન ઇન્વેસ્ટિગેટિવ સપોર્ટ (FLIS) ટીમ દ્વારા ચાલી રહી છે અને એનું કારણ અને અન્ય ઘટનાઓ સાથેના જોડાણની તપાસ થઈ રહી છે.

kapil sharma canada bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news