08 May, 2021 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિતી સેનન
ક્રિતી સૅનનનું કહેવું છે કે વર્તમાનમાં દેશમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે એને જોતાં કોઈ પણ જાતિ કે ધર્મના ભેદભાવ વગર લોકો એકબીજાના પડખે ઊભા છે. ક્રિતીએ એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં ક્રિતી કહી રહી છે કે ‘જે વસ્તુ આપણને તોડે છે એ ક્યાંકને ક્યાંક લોકોને પરસ્પર જોડે છે. આજે હું આપણી આસપાસ જોઉં છું તો જાણ થાય છે કે કોઈ પણ પ્રકારનાં જાતિ અને ધર્મના હો, કોઈ પણ પ્રોફેશન હોય, ગરીબ કે ધનવાન હો, કોઈ પણ રાજ્યના હો એનાથી કોઈ ફરક નથી પડતો. જોકે આખરે આપણે તો છીએ માનવજાત, જે કોઈ પણ ભેદભાવ વગર એકબીજાનાં દર્દને ઓળખે છે. જરૂરતમંદ લોકોને જોઈને ખૂબ દુઃખ થાય છે. આપણે એ વિશે માહિતી ફેલાવીને એ વ્યક્તિને મદદ કરીએ છીએ.
આપણે એકબીજા માટે અજાણ્યા છીએ. આપણે ડોનેટ કરીએ છીએ. દુઃખમાં પીડાતા લોકોને એમાંથી બહાર કાઢવા માટે આપણે પ્રયાસ કરીએ છીએ.’
આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી કે ‘હું દરેક વસ્તુમાં આશાનું કિરણ જોવાનો પ્રયાસ કરું છું. અંધકારમાં આશાનું કિરણ જોઉં છું, ખરાબમાં સારી બાબત જોઉં છું. મૈં ઔર મેરી તન્હાઈ અકસર બાતેં કિયા કરતે હૈં, હું એવી વ્યક્તિ છું. આજે મેં મારા વિચારોને શૅર કરવાનું વિચાર્યું હતું. રાતે મારી ‘ડિયર ડાયરી’ બનવા માટે થૅન્ક યુ.’