24 June, 2025 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પવન કલ્યાણ
આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને ટોચના તેલુગુ સ્ટાર પવન કલ્યાણે તાજેતરમાં બૉલીવુડ પર આકરો કટાક્ષ કર્યો છે. તેમણે જણાવ્યું કે સાઉથ સિનેમા ભારતીય સંસ્કૃતિ પ્રત્યે વધુ સાચું અને સમર્પિત રહ્યું છે, જ્યારે બૉલીવુડ પૈસા પાછળની દોડમાં પોતાનાં મૂળ ગુમાવી ચૂક્યું છે. આ નિવેદનથી તેમણે ભારતીય સિનેમાના ચાહકો અને વિવેચકોનું ધ્યાન ખેંચ્યું છે.
હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં પવન કલ્યાણે જણાવ્યું કે ‘બૉલીવુડ તરીકે ઓળખાતા હિન્દી સિનેમામાં અગાઉ ભારતીય સંસ્કૃતિને ઊંડાણથી દર્શાવવામાં આવતી હતી, પરંતુ હવે એ વૈશ્વીકરણની દોડમાં પોતાનાં મૂળથી કપાઈ ગયું છે. સમય સાથે નવી પેઢીના ફિલ્મમેકર્સે હિન્દી સિનેમાને બદલી નાખ્યું છે. હવે સાંસ્કૃતિક રીતે જોડાયેલાં પાત્રોની મજાક બનાવવામાં આવે છે.’
પવન કલ્યાણે સાઉથ સિનેમાની પ્રશંસા કરતાં કહ્યું કે ‘આજકાલ સાઉથની ફિલ્મો ભારતીય સંસ્કૃતિનું વધુ પ્રતિનિધિત્વ કરી રહી છે. હિન્દી સિનેમામાં પણ થોડા સમયથી આવું થઈ રહ્યું છે, પરંતુ આવી ફિલ્મો હવે દુર્લભ બની ગઈ છે.’