આજના કેટલાક રાજકારણીઓને ગોળી મારવાની ઇચ્છા થાય છે : પરેશ રાવલ

07 November, 2012 03:30 AM IST  | 

આજના કેટલાક રાજકારણીઓને ગોળી મારવાની ઇચ્છા થાય છે : પરેશ રાવલ



ગુજરાતી અને બંગાળીમાં રંગભૂમિ એ એક ચળવળ છે, જ્યારે મરાઠીમાં રંગભૂમિ ધર્મ છે. શ્વાસ અને ભોજનની જેમ નાટક પણ મરાઠી માણસની મૂળભૂત જરૂરિયાત છે. મરાઠી રંગભૂમિ પરનાં નાટકો અને પરિશ્રમ લેતા કલાકારોને કારણે આ રંગભૂમિ સમૃદ્ધ છે. જો મારો જન્મ પણ મરાઠી સંસ્કૃતિમાં થયો હોત તો હું પણ અત્યારે છું એના કરતાં સારો અભિનેતા થયો હોત.

પુણેમાં ખ્યાતનામ લેખક અને નાટ્યકાર પુ. લ. દેશપાંડેની યાદમાં સોમવારે યોજાયેલા ‘પુલોત્સવ’ નામના કાર્યક્રમમાં પુ. લ. સ્મૃતિ સન્માન સ્વીકારતી વખતે અભિનેતા પરેશ રાવલે આવું કહ્યું હતું. જાણીતાં ડિરેક્ટર વિજયા મહેતાના હસ્તે પરેશ રાવલનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ‘અત્યારના વિશ્વમાં પુરસ્કારો માત્ર માર્કેટિંગ માટે આપવામાં આવે છે અને એવા પુરસ્કારને હું મહત્વ આપતો નથી, પણ પુરસ્કાર કોના નામે અને કોના દ્વારા આપવામાં આવે છે એ વધુ મહત્વનું છે. પુ. લ. દેશપાંડે સંગીત, નાટક, સાહિત્ય અને અભિનયમાં પારંગત હતા અને એટલે તેમના નામનો પુરસ્કાર મને મળે એ મારા માટે અભિમાનની વાત છે. આ પુરસ્કાર ગુજરાતી રંગભૂમિનું પણ સન્માન છે.’

રાજકારણીઓની ટીકા


સન્માન પહેલાં યોજાયેલી પત્રકાર-પરિષદમાં પરેશ રાવલે વર્તમાન રાજકીય વ્યવસ્થા પર આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘રાજકારણમાં કેટલાક એવા લોકો આવી ગયા છે જેમને ગોળી મારવાનું મન થાય છે. આ સ્થિતિ માટે આપણે પણ એટલા જ જવાબદાર છીએ. દેશમાં ભ્રષ્ટાચારના ઘણા કેસ બહાર આવે છે, પણ એકેય નેતાને એની સજા થતી નથી એટલે દિલ ખિન્ન થઈ જાય છે. આટલોબધો ભ્રષ્ટાચાર જોઈને પણ આપણે નપુંસકની જેમ સ્વસ્થ બેઠા છીએ. જોકે આમ છતાં આપણે ક્રાન્તિ કરી શકીએ એમ પણ નથી.’

...તો કોઈ ગરીબ ના રહે

પરેશ રાવલની ફિલ્મ ‘ઓહ માય ગૉડ’નો વિષય નીકળતાં તેમણે કહ્યું હતું કે ‘લોકોને મંદિરોમાં લાખો રૂપિયા દાનમાં આપતા અને દૂધ ચડાવતા જોઈને ગુસ્સો આવે છે. ધાર્મિક ચૅનલો પરના બાબા અને મહારાજોના પૈસા બહાર કાઢવામાં આવે તો દેશમાં કોઈ ગરીબ નહીં રહે. આ બાબાઓ એક-એકથી ચડિયાતા કલાકારો છે. તેઓ ઐયાશી કરી રહ્યા છે એટલે તેમને જોઈને થાય છે કે હિન્દુ ધર્મની મહાનતા કેવી રીતે ટકી રહેશે? અમે તો આ ફિલ્મમાં માત્ર ૩૦થી ૪૦ ટકા જ વાતો રજૂ કરી હતી.’