આ ચલ કે તુઝે, મૈં લે કે ચલૂં

26 December, 2018 07:35 PM IST  |  | દિલ સે દિલ તક – પંકજ ઉધાસ

આ ચલ કે તુઝે, મૈં લે કે ચલૂં

આહટ આલ્બમનું કવર

એક સમય હતો જ્યારે ૭૮ RPM (રાઉન્ડ પર મિનિટ) રેકૉર્ડ આવતી. આ રેકૉર્ડને આપણે ત્યાં બધા થાળી કહેતા. આ રેકૉર્ડ વગાડવા માટે જે ગ્રામોફોન આવતું એને દેશી ગુજરાતીમાં બધા થાળીવાજું કહેતા. એક સમયે એ થાળીવાજુંનો હતો અને આજનો આ ડિજિટલ યુગનો સમય. આજે તમને જે કંઈ સાંભળવું હોય, વગાડવું હોય એ હવે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીને સાંભળી-વગાડી લેવાનું. સાચું કહું તો આપણી વાત તો ‘નાયાબ લમ્હેં’ની ચાલતી હતી, પણ હમણાં આ જ કૉન્સર્ટમાં એવાં-એવાં દૃશ્યો મેં જોયાં કે મને થયું કે હું તમને એ બે યુગની વાત કરું જેનો હું સાક્ષી રહ્યો છું. રેકૉર્ડથી માંડીને આજના આ ડાઉનલોડના યુગમાં ખૂબબધા ફેરફારો આવ્યા છે. આપણે ગુજરાતી ભાષામાં એવું બોલીએ છીએ કે હાથી-ઘોડા જેટલો ફરક આવી ગયો. એવું જ આ ટેક્નૉલૉજીમાં બન્યું છે અને આ બે યુગ વચ્ચે હાથી-ઘોડા જેવો ફરક છે. ઇચ્છા છે મારી કે આજે હું તમને એ જૂના દિવસોમાં ફરી લઈ જઉં.

મને યાદ છે કે ૧૯૭૮ની સાલમાં મારો સંઘર્ષકાળ ચાલતો હતો અને બહુ મુશ્કેલથી, કહો કે માંડ-માંડ સમજાવીને મેં મુંબઈની એક કંપની સાથે મારી રેકૉર્ડ બનાવવાનું નક્કી કર્યું હતું. એ કંપનીનું નામ ઇન્ડિયા બુક હાઉસ. આ એ સમયની વાત છે જે સમયમાં મ્યુઝિક ઇન્ડિયા કંપની અને ઇન્ડિયા બુક હાઉસ વચ્ચે કૉન્ટ્રૅક્ટ હતો કે ઇન્ડિયા બુક હાઉસ કૅસેટ બનાવે અને એ જે કૅસેટ બનાવે એની લૉન્ગ પ્લે એટલે કે મોટી રેકૉર્ડ મ્યુઝિક ઇન્ડિયા કંપની બનાવે. આ દિવસોમાં ર્ફોટમાં વેસ્ટર્ન આઉટડોર નામનો એક બહુ મોટો અને પ્રખ્યાત સ્ટુડિયો હતો. આ સ્ટુડિયોમાં દેશના મોટા-મોટા ગાયકો, મ્યુઝિક-ડિરેક્ટરો, કલાકારો અને અન્ય દિગ્ગજોએ કામ કર્યું હતું એટલે અમારા જેવા ન્યુકમર કે સ્ટ્રગલર માટે તો આ સ્ટુડિયો એટલે જાણે કે કાશી. સિત્તેરના દશકમાં બહુ જાણીતા અને એકદમ ટૅલન્ટેડ કહેવાય એવા ચીફ સાઉન્ડ-રેકૉર્ડિસ્ટ હતા દમન સૂદ. દમન સૂદનું નામ તમામ મોટા મ્યુઝિશ્યનો જાણે. દમનજી ખૂબ જ હોશિયાર, કુશળ અને કાબેલ સાઉન્ડ-રેકૉર્ડિસ્ટ હતા. મારું પહેલું ગઝલનું આલબમ ‘આહટ’. ‘આહટ’ સમયે મારી તેમની સાથે પહેલી મુલાકાત થઈ અને મેં આ વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયોમાં જ રેકૉર્ડિંગ કર્યું. એ સમયની ટેક્નૉલૉજી અને આજની ટેક્નૉલૉજી. આજે તો ટેક્નૉલૉજી ક્યાં પહોંચી ગઈ છે. અકલ્પનીય અને અદ્ભુત કહેવાય એવું ડેવલપમેન્ટ થયું છે આ ફીલ્ડમાં, પણ એ સમયની વાત સાવ જુદી હતી. એ સમયે રેકૉર્ડિંગ બે ટ્રૅક પર થતું અને એ બે ટ્રૅકમાં તમે જે ગાઓ એ ફાઇનલ. પછી એમાં કોઈ જાતનું એડિટિંગ કે મિક્સિંગ ન થઈ શકે. સાદી ગુજરાતીમાં કહીએ તો જે છપાઈ ગયું એ છપાઈ ગયું, બીજું કંઈ ન કરી શકાય કે બીજું કંઈ થઈ ન શકે. એ સમયના ખૂબ જ જાણીતા અને તજજ્ઞ એવા વાયોલિનપ્લેયર અમર હલ્દીપુરે મારા એ ‘આહટ’ આલબમનું મ્યુઝિક અરેન્જ કર્યું હતું અને તેમની સાથે સુરેશ પદકી હતા. અત્યારે, આ સમયે, આટલાં વર્ષે પણ મને એ સમયની એકેએક વાતો યાદ છે. મને યાદ છે કે અમે સ્ટુડિયોમાં ઊભા-ઊભા રેકૉર્ડ કરતા હતા. તમે ઘણી ફિલ્મોમાં જોયું હોય એવું જ એ દૃશ્ય હતું.

સિંગર માટે એક રૂમ હોય અને બહાર બધા મ્યુઝિશ્યન તૈયાર થઈને બેઠા હોય. મ્યુઝિક-કમ્પોઝર વન, ટૂ અને થ્રી કરે એટલે બધા એકસાથે પણ પોતપોતાના સૂર મુજબ મ્યુઝિક ચાલુ કરે અને એ લાઇવ મ્યુઝિક વચ્ચે લાઇવ ગાવાનું. જો કોઈ ભૂલ થાય તો કટ થાય અને ફરીથી પાછું શરૂ કરવાનું. બધું પહેલેથી જ ચાલુ કરવાનું. વચ્ચેથી ચાલુ ન થઈ શકે. આજે એ શક્ય છે, પણ એ સમયે એવી કોઈ શક્યતા નહોતી. એ સમયે તો જે છપાઈ ગયું એ છપાઈ ગયું અને જો એ છપાયેલું ન જોઈતું હોય તો નવેસરથી એકડો ઘૂંટવાનો. આજે તો એવું છે કે એકેક કમ્પોઝર આવીને પોતાની અનુÊકૂળતાએ મ્યુઝિક આપી જાય તો પણ ચાલે અને સિંગર પણ પોતાની ફુરસદે આવીને પોતાનું કામ કરી જાય. આ જ કારણે તો સેંકડો ગીતોની બૅન્ક શક્ય બની છે. આજે મોટા ભાગના મ્યુઝિક-કમ્પોઝર પાસે પોતાની સૉન્ગ બૅન્ક છે, પણ પહેલાં એવું શક્ય નહોતું બનતું. પહેલાં રફ સ્કેચ તૈયાર થઈ શકતો, પણ આ પ્રકારે સૉન્ગની ફાઇનલ બૅન્ક તૈયાર પડી હોય એવું નહોતું બનતું.

વેસ્ટર્ન આઉટડોરમાં મારું પહેલું આલબમ રેકૉર્ડ થયું અને એ આલબમની લૉન્ગ પ્લે એટલે કે મોટી રેકૉર્ડ જાન્યુઆરી ૧૯૮૦માં માર્કેટમાં આવી. લૉન્ગ પ્લે માર્કેટમાં આવી ત્યારે મારાથી વધારે જેને કહેવાય કે હર્ષવિભોર બીજું કોઈ નહીં હોય. એટલી ખુશી બીજા કોઈને એ સમયે નહીં થઈ હોય જેટલી મને થઈ હતી. લૉન્ગ પ્લે આવી ત્યારે હું બહુ રાજી થઈ ગયો હતો, કારણ કે મારું પહેલું આલબમ અને એ આલબમ પણ લૉન્ગ પ્લે રેકૉર્ડ પર આવ્યું હતું. લૉન્ગ પ્લેનું જે મટીરિયલ હોય એને વિનાઇલ કહેવાય અને એ મટીરિયલની પોતાની ખૂબબધી ખાસિયત હતી. એના પર વજન આવે તો એ તૂટી જાય, પણ એના પર અંકિત કરવામાં આવેલો સાઉન્ડ લાંબો સમય અકબંધ રહેતો. આ જે સાઉન્ડ હોય એને ઍનલૉગ સાઉન્ડ કહેવાય છે. આ ઍનલૉગ સાઉન્ડ અને વિનાઇલનું કૉમ્બિનેશન એવું હોય છે કે એ લૉન્ગ પ્લેને તમે સાંભળો ત્યારે તમે એને ફીલ કરી શકો. એ સાંભળતી વખતે તમને એમાંથી હૂંફ મળે, તમે એ સંવેદનાને અનુભવી શકો. પાણીનું એક ડ્રૉપ પડતું હોય તો એવું તમને લાગે કે એ ડ્રૉપ ખરેખર તમારી આંખની સામે પડી રહ્યું છે. આ જે ઇફેક્ટ છે એ ઇફેક્ટ માટે હું આજે પણ એવું કહીશ કે એ તમને આજના ડિજિટલ સાઉન્ડમાં ક્યારેય નહીં મળે. તમે માનો નહીં તો એ તમારી મરજી છે, પણ મારું તો આ ક્ષેત્ર છે અને એટલે મને એની અસરકારકતા આજે પણ ખબર છે. તમને જાણીને નવાઈ લાગશે કે આજે પણ, હજી પણ જે મ્યુઝિકના સાચા પ્રેમી છે અને જેમણે લૉન્ગ પ્લે સાઉન્ડ માણ્યો છે તેઓ આ લૉન્ગ પ્લેને યાદ કરે છે. મારા માટે આનંદની વાત એ છે કે મારી પાસે હજી ઘણીબધી લૉન્ગ પ્લે રેકૉર્ડ પડી છે અને મેં એ સાચવી રાખી છે. મારા આલબમની તો લૉન્ગ પ્લે હોય એ સમજી શકાય, પરંતુ એ સિવાય પણ મેં બીજી અનેક લૉન્ગ પ્લે સાચવી રાખી છે. હું ઓળખું છું એમાં પણ અનેક લોકો એવા છે જેમણે પોતાની પાસે રહેલી લૉન્ગ પ્લે સાચવી રાખી છે. એ જવા દેવાનો જીવ ચાલતો નથી હોતો. વચ્ચે મેં ક્યાંક ન્યુઝ વાંચ્યા હતા કે મુંબઈમાં જ કોઈ લૉન્ગ પ્લેને ડિઝાઇનર રીતે કાપીને એમાંથી ટી-કોસ્ટર અને એવી બીજી બધી ડિઝાઇનર આઇટમ બનાવે છે. ઘણાને એ વાંચીને નવાઈ લાગી હોઈ શકે, પણ મને દુખ થયું હતું. મને થયું હતું કે આ રીતે લૉન્ગ પ્લેને સાચવવાને બદલે બહેતર છે કે તમે એને આખેઆખી સાચવી રાખો, એનું જતન કરો. જો એનું જતન કરશો તો એક આખી ટેક્નૉલૉજી સચવાયેલી રહેશે.

 

 આ લૉન્ગ પ્લે રેકૉર્ડ વગાડવા માટે તમારી પાસે ગ્રામોફોન હોવું જોઈએ. ગ્રામોફોનમાં પિન આવતી, જે તૂટી જાય ત્યારે બહારથી લઈ આવવી પડતી. હવે તો ગ્રામોફોન પણ ક્યાંય જોવા નથી મળતાં અને એની પિન પણ હવે મળતી બંધ થઈ ગઈ છે એટલે રેકૉર્ડ વાગી શકે એવું ગ્રામોફોન તો જ્વલ્લે જ કોઈના ઘરે હશે એવું મારું માનવું છે. ગ્રામોફોનની આ દુનિયા પછી જમાનો આગળ વધ્યો અને કૅસેટનો જમાનો આવ્યો. કૅસેટ આવી અને દુનિયાને નવી દિશામાં જવાની તક મળી. કૅસેટની દુનિયા વિશે વાત કરીશું આવતા બુધવારે.