07 May, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિંગર અદનાન સમી
પહલગામ અટૅક પછી ભારતમાં અનેક પાકિસ્તાની કલાકારો અને સેલિબ્રિટી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને તેમનાં ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ બ્લૉક કરી દેવામાં આવ્યાં છે. ભારતમાં પાકિસ્તાનની યુટ્યુબ ચૅનલ્સ પણ બંધ કરી દેવામાં આવી છે. આ વાતાવરણમાં સિંગર અદનાન સમીએ હાલમાં અઝરબૈજાનમાં કેટલાક પાકિસ્તાની યુવકો સાથે થયેલી વાતચીત ટ્વીટ કરીને શૅર કરી હતી. અદનાને જણાવ્યું કે એ યુવકોએ મને કહ્યું કે તમે યોગ્ય સમયે પાકિસ્તાન છોડી દીધું અને હવે તેઓ પણ પાકિસ્તાની તરીકેની પોતાની ઓળખ હટાવવા માગે છે. એ યુવકોએ અદનાનને કહ્યું કે તેઓ પાકિસ્તાનની સેનાને નફરત કરે છે, કારણ કે સેનાએ તેમના દેશને બરબાદ કરી નાખ્યો છે. આ વાતનો જવાબ આપતાં અદનાને કહ્યું કે મને આ વાતની પહેલાંથી જ ખબર હતી. નોંધનીય છે કે અદનાને ૨૦૧૬માં પાકિસ્તાની નાગરિકતા છોડીને ભારતીય નાગરિકતા અપનાવી લીધી હતી.
જોકે અદનાન સમીની આ ટ્વીટથી પાકિસ્તાની લોકો નારાજ થઈ ગયા છે અને તેમણે અદનાનને ગદ્દાર ગણાવીને કમેન્ટ કરી છે અને કહ્યું છે ‘સાલા, ગદ્દાર... તૂ એક નંબર કા કાયર હૈ.’ કેટલાકે કહ્યું કે પાકિસ્તાનમાં જેકાંઈ થયું એ અમારી ઇન્ટર્નલ મૅટર છે, પણ કોઈને દુશ્મનના ખોળામાં બેસીને બકવાસ કરવાનો હક નથી; તમે ગમે એ કરી લો, પણ તમારી વફાદારીની હંમેશાં પરીક્ષા લેવામાં આવશે.