બીજા ઘણા લોકોને મારા કરતાં વધારે તકલીફ છે : સલમાન

03 August, 2012 06:33 AM IST  | 

બીજા ઘણા લોકોને મારા કરતાં વધારે તકલીફ છે : સલમાન

યશ ચોપડાની જાસૂસી થ્રિલર ફિલ્મ ‘એક થા ટાઇગર’ના શૂટિંગ દરમ્યાન સલમાન ખાનને તેની નર્વ ડિસઑર્ડરની અસહ્ય પીડા થઈ હતી એ તો સૌ જાણે છે. ઇનફૅક્ટ એ પહેલાં તે પેઇન દૂર કરવા માટે સર્જરી કરાવવા પણ ગયો હતો. જોકે સલમાન તેની આ તકલીફ માટે જરાય ગંભીર નથી. તે કહે છે કે હું મારી આ તકલીફને પણ બીજા સામાન્ય હેલ્થ-પ્રૉબ્લેમ્સની જેમ જ ટ્રીટ કરું છું.

ફિલ્મનું જ્યાં શૂટિંગ થઈ રહ્યું હતું એ જગ્યાએ ખૂબ ઠંડી હતી અને એને કારણે સલમાનની હેલ્થ પણ બગડી હતી. એ વિશે સલમાન કહે છે, ‘બધાના જીવનમાં સમસ્યાઓ આવે છે, એને બહુ મોટી ન બનાવી દઈએ. એવા કેટલાય લોકો છે જેઓ મારા કરતાં વધુ સ્ટ્રેસમાં હોય છે ને છતાં કોઈ એના વિશે વાત પણ નથી કરતું. હા, મને ઍક્શન-દૃશ્યો કરતી વખતે તકલીફ થાય છે કેમ કે અમે કેબલ કે દોરડાંઓ વિના સ્ટન્ટ્સ કરીએ છીએ. એને કારણે મને ઘણી તકલીફ થાય છે, પણ એનો વાંધો નથી.’

તે ફરીથી સર્જરી કરાવવા જઈ રહ્યો છે એવી અફવા વિશે પૂછતાં સલ્લુ કહે છે, ‘દરેકને હેલ્થનું રૂટીન ચેક-અપ કરાવવાની જરૂર પડે છે એમ મને પણ જરૂર છે. ફરક માત્ર એટલો જ છે કે મારે ચેક-અપ માટે લૉસ ઍન્જલસ જવું પડે એમ છે.’

થોડા સમય પહેલાં એવું પણ સાંભળવા મળ્યું હતું કે યશ ચોપડાના બૅનરે તેને શૂટિંગ દરમ્યાન નિયમો તોડીને સ્પેશિયલ છૂટછાટો આપી હતી. જેમ કે તેની વૅનિટી વૅનને સ્ટુડિયોના પ્રાંગણમાં લાવવાની પણ છૂટ હતી. એ વિશે વાત નીકળતાં સલમાન કહે છે, ‘એક તો સુપર્બ સ્ક્રિપ્ટ હતી અને મને ગમતી વાત હતી એટલે મેં આ ફિલ્મ કરવાનું વિચારેલું. આ ફિલ્મ સાથે યશ ચોપડા અને સલમાન ખાન જેવા બૉલીવુડનાં બિગેસ્ટ નામો જોડાયેલાં છે એટલે જ લોકો એ વિશે વાતો કરે છે. નિયમો તોડવા કે બદલવાની કોઈ ઇચ્છા નથી. તોડવા પડે એવા કોઈ નિયમો છે જ નહીં.’