પહલગામના આતંકવાદી હુમલા પછી અબીર ગુલાલનો બૉયકૉટ કરવાની ઉગ્ર ડિમાન્ડ

25 April, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન બન્યો લોકોના આક્રોશનો ભોગ. પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને વાણી કપૂરને ચમકાવતી ફિલ્મ ‘અબીર ગુલાલ’ ૯ મેએ રિલીઝ થવાની છે. આરતી એસ.

અબીર ગુલાલનું પોસ્ટર

કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા પછી આખો દેશ ગુસ્સામાં છે. કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને ટાર્ગેટ કરીને મોતને ઘાટ ઉતારી દીધા પછી ભારતભરમાં વિરોધનો માહોલ સર્જાયો છે. આ સ્થિતિમાં પાકિસ્તાની ઍક્ટરની ફિલ્મ ‘અબીર ગુલાલ’ સામે દેશમાં વિરોધનો માહોલ છે. પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને વાણી કપૂરને ચમકાવતી ફિલ્મ ‘અબીર ગુલાલ’ ૯ મેએ રિલીઝ થવાની છે. આરતી એસ. બાગડીએ આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે અને મ્યુઝિક અમિત ત્રિવેદીનું છે.
 
આ ફિલ્મની જાહેરાત થઈ હતી ત્યારે જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રવક્તા અમેય ખોપકરે કહ્યું હતું કે અમે બહુ સ્પષ્ટ રીતે કહીએ છીએ કે અમે આ ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ નહીં થવા દઈએ, કારણ કે એમાં પાકિસ્તાની ઍક્ટર છે. કાશ્મીરના આતંકવાદી હુમલા પછી ભારતના ઘણા લોકો આવી ડિમાન્ડ કરી રહ્યા છે. હુમલા પછી પાકિસ્તાની ઍક્ટર ફવાદ ખાન લોકોના ગુસ્સાના ભોગ બની રહ્યો છે અને લોકો આ ફિલ્મની રિલીઝ પર  પ્રતિબંધ મૂકવાની માગણી કરી રહ્યા છે.

આ પહેલાં ૨૦૧૬માં પણ આવી જ સ્થિતિ હતી. એ સમયે ફવાદ ફિલ્મમેકર કરણ જોહરની ‘અય દિલ હૈ મુશ્કિલ’માં લીડ રોલમાં હતો. ઉરીમાં થયેલા આતંકવાદી હુમલાના એક મહિના પછી આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને પછી ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ફરી પાછો ફવાદની ફિલ્મ ‘અબીર ગુલાલ’ની રિલીઝના ૧૦ દિવસ પહેલાં કાશ્મીરમાં આતંકવાદી હુમલો થતાં ફરી પાકિસ્તાની ઍક્ટર્સ પર પ્રતિબંધ મૂકી દેવાની ડિમાન્ડ વેગ પકડી રહી છે. 

Pahalgam Terror Attack fawad khan vaani kapoor upcoming movie bollywood buzz bollywood news bollywood entertainment news