23 January, 2026 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનો સીન
ગઈ કાલે ૯૮મા ઑસ્કર અવૉર્ડ્સના નૉમિનેશનની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં ભારત તરફથી ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મ કૅટેગરીમાં ‘હોમબાઉન્ડ’ શૉર્ટલિસ્ટ થવાથી ફૅન્સમાં મોટી આશા જાગી હતી. જોકે હવે આ આશાઓ પર પાણી ફરી વળ્યું છે, કારણ કે ‘હોમબાઉન્ડ’ને ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મ કૅટેગરીમાં અંતિમ નૉમિનેશન મળ્યું નથી અને ફિલ્મ ઑસ્કરની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
ફિલ્મ ‘હોમબાઉન્ડ’ ઑસ્કર્સના ફાઇનલ્સ સુધી પહોંચી ન શકી હોવા પર ફિલ્મના ઍક્ટર વિશાલ જેઠવાએ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે ‘અમે ફાઇનલ નૉમિનેશન સુધી પહોંચી શક્યા નથી, પરંતુ છેલ્લી ૧૫ ફિલ્મોમાં શૉર્ટલિસ્ટ થવું પોતે જ એક મોટું સન્માન છે. ‘હોમબાઉન્ડ’એ એટલી દૂર સુધી સફર કરી અને દુનિયાભરમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું એ બહુ ખાસ છે. આ ફિલ્મનો ભાગ બનવા બદલ હું હંમેશાં આભારી રહીશ. જ્યાં સુધી અમે પહોંચી ગયા હતા ત્યાં સુધી અમને થોડી આશાઓ તો હતી. જેમણે પણ આ ફિલ્મ જોઈ છે તેમને બહુ ગમી છે અને સ્ટોરીને મજબૂત ગણાવી છે. આ પણ એક મોટી સિદ્ધિ સમાન છે.’
ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મ કૅટેગરીમાં બ્રાઝિલની ‘ધ સીક્રેટ એજન્ટ’, ફ્રાન્સની ‘ઇટ વૉઝ જસ્ટ ઍન ઍક્સિડન્ટ’, નૉર્વેની ‘સેન્ટિમેન્ટ વૅલ્યુ’, સ્પેનની ‘સિરાત’ અને ટ્યુનિશિયાની ‘ધ વૉઇસ ઑફ હિન્દ રજબ’ને નૉમિનેશન મળ્યું છે.