08 July, 2026 01:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાયરાબાનુએ સોશ્યલ મીડિયા પર એક ઇમોશનલ મેસેજ શૅર કરી કેટલીક જૂની તસવીરો પોસ્ટ કરી છે.
ગઈ કાલે દિલીપ કુમારની પાંચમી પુણ્યતિથિ હતી. આ પ્રસંગે તેમનાં ૮૧ વર્ષનાં પત્ની સાયરાબાનુએ સોશ્યલ મીડિયા પર એક ઇમોશનલ મેસેજ શૅર કરીને કેટલીક જૂની તસવીરો પોસ્ટ કરી છે.
સાયરાબાનુએ પોતાના મેસેજમાં લખ્યું હતું કે...
જીવનની સૌથી સુંદર વાત એ છે કે એ ક્યારેય ખરેખર આપણને છોડીને જતું નથી. એ હંમેશાં યાદોમાં જીવંત રહે છે અને યાદો સમયની જેમ ક્યારેય આપણો સાથ છોડતી નથી. કોઈ આમંત્રણ વિના જ એ પાછી આવે છે અને સાથે લાવે છે દરેક સ્મિત, દરેક નજર અને દરેક શબ્દ... જાણે ક્યારેય કંઈ ગુમાવ્યું જ ન હોય. કોઈને યાદ કરવું કદાચ એ પુરાવો છે કે તે વ્યક્તિ ક્યારેય ભુલાઈ નથી. મને ઘણી વાર એવું લાગે છે કે આ દુનિયામાંથી વિદાય લેતાં પહેલાં સાહેબે મને અમૂલ્ય ખજાનો આપ્યો હતો. યાદોનો એવો ખજાનો, જે એટલો સમૃદ્ધ છે કે હું મારી બાકીની આખી જિંદગી એની વચ્ચે જ જીવી શકું.
૨૦૨૧ની ૭ જુલાઈએ દિલીપ કુમારે માત્ર મને જ નહીં, પરંતુ તેમને પ્રેમ કરનાર આખી દુનિયાને અલવિદા કહી હતી. તેમના પરિવાર, મિત્રો, ચાહકો અને ફિલ્મજગતના સહકર્મીઓના જીવનમાં એવો ખાલીપો સર્જાયો જેને શબ્દોમાં વ્યક્ત કરવો અશક્ય છે. મારા માટે તેઓ દુનિયાએ પૂજેલા મહાન કલાકાર કરતાં ઘણું વધારે હતા. તેઓ મારા જીવનનો અડગ આધાર હતા, એવી નિઃશબ્દ શક્તિ જેના સહારે હું હંમેશાં ઊભી રહી શકી.
અમારું જીવન માત્ર સાથે વિતાવેલું નહોતું, પણ એક પરિપૂર્ણ જીવન હતું. તેમના વ્યક્તિત્વની ઉદારતા અને દરેક જવાબદારી નિભાવવાની તેમની સૌમ્ય રીત એવી હતી કે તેમણે મને માત્ર તેમની જીવનસંગિની બનીને જીવવાનું અમૂલ્ય સન્માન આપ્યું. દુનિયા તેમને હંમેશાં રૂપેરી પડદાના મહાનતમ કલાકારોમાંના એક તરીકે યાદ રાખશે પણ જેમણે તેમને નજીકથી ઓળખ્યા છે, તેઓ તેમને પરિપક્વ વ્યક્તિત્વ માટે યાદ કરશે. પાછળ વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે હું માત્ર ઇતિહાસની સાક્ષી નહોતી, એની વચ્ચે જ જીવી રહી હતી. અજાણતાં જ હું એવી વિરાસતનો એક નાનો ભાગ બની ગઈ જેને આવનારી પેઢીઓ પણ હંમેશાં ઉજવતી રહેશે.
સાહેબને મારી નજરથી ઓઝલ થયાને પાંચ વર્ષ વીતી ગયાં, પણ તેઓ મારા જીવનમાંથી ક્યારેય દૂર થયા નથી. આટલો ઊંડો પ્રેમ સમય સામે ક્યારેય હાર માનતો નથી અને આવી ગેરહાજરી સામે ક્યારેય સમર્પણ કરતો નથી. જો આ જીવનમાં હું ખરેખર ભાગ્યશાળી રહી હોઉં તો એનું એક જ કારણ છે કે મને દિલીપ કુમારને પ્રેમ કરવાનો અને તેમના પ્રેમનો અધિકાર મળ્યો. આ અધિકાર માટે મારો આત્મા આપણા ફરી મળવાના દિવસ સુધી હંમેશાં કૃતજ્ઞ રહેશે.