08 September, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આલ્બમ લૉન્ચ દરમિયાન કલાકારોએ આશાજીનું સ્મરણ કર્યું હતું - તસવીર સૌજન્ય પીઆર
હરીશ વ્યાસના દિગ્દર્શનમાં બનેલી આગામી ફિલ્મ ‘ઓમ કા હરિ’ના મ્યુઝિક આલ્બમનું મુંબઈમાં લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું. રઘુવીર યાદવ, સોની રાઝદાન અને અંશુમન ઝાની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મના આલ્બમની સૌથી ખાસ બાબત એ છે કે તેમાં દિગ્ગજ ગાયિકા આશા ભોસલેએ ફીચર ફિલ્મ માટે રેકોર્ડ કરેલું છેલ્લું ગીત સામેલ છે. આશા ભોસલેની જન્મજયંતિ નિમિત્તે ‘એ મેરી ઝિંદગી, તૂ છુપી હૈ કહાં’નો મ્યુઝિક વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ગીતના રેકોર્ડિંગ દરમિયાન સ્ટુડિયોમાં આશા ભોસલેની કેટલીક ખાસ ક્ષણો જોવા મળે છે. ‘ઓમ કા હરિ’નું સંગીત ફિલ્મની વાર્તા સાથે ભારતીય સંગીતની વિવિધ પેઢીઓને પણ એક તાંતણે જોડે છે.
આ આલ્બમમાં કિશોર કુમારના પુત્ર અમિત કુમાર અને પરેશ પાહુજાએ ગાયેલાં ગીતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મના મુખ્ય અભિનેતા રઘુવીર યાદવે પણ બે ગીતો ગાયાં છે, જે તેમણે મુંબઈમાં યોજાયેલા મ્યુઝિક લૉન્ચ દરમિયાન દર્શકો સમક્ષ લાઇવ રજૂ કર્યાં હતાં.
‘એ મેરી ઝિંદગી, તૂ છુપી હૈ કહાં’ ગીત આશા ભોસલેએ 2023ના અંતમાં, 90 વર્ષની ઉંમર વટાવ્યા બાદ રેકોર્ડ કર્યું હતું. જીવન, પ્રેમ અને ઘણી વાર વ્યક્ત કર્યા વિના રહી જતી લાગણીઓને રજૂ કરતું આ ગીત ફિલ્મની ભાવનાત્મક દુનિયાને વધુ ઘેરી બનાવે છે. આશા ભોસલેના અવાજમાં રેકોર્ડ થયેલું આ ગીત હવે તેમની લાંબી અને સમૃદ્ધ સંગીતયાત્રાની છેલ્લી ફિલ્મી યાદોમાંનું એક બની રહેશે. ડ્રામા અને કૉમેડીનું મિશ્રણ ધરાવતી ‘ઓમ કા હરિ’ની વાર્તા પિતા અને પુત્રના સંબંધની આસપાસ ફરે છે. જુદી-જુદી પેઢીઓના વિચારો, તેમની વચ્ચે ઊભું થતું અંતર અને વ્યક્ત ન થઈ શકતી લાગણીઓ ફિલ્મના કેન્દ્રમાં છે. ફિલ્મનું સંગીત પણ આ જ ભાવવિશ્વને આગળ વધારે છે. રઘુવીર યાદવ, સોની રાઝદાન અને અંશુમન ઝા ઉપરાંત આયેશા કપૂર પણ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
અભિનેતા અંશુમન ઝાએ જણાવ્યું હતું કે, “આજની પેઢીમાં પ્લેલિસ્ટનું ચલણ શરૂ થયું એ પહેલાં આશાજી પોતે એક આખું પ્લેલિસ્ટ હતાં. ‘ઓમ કા હરિ’ માટે તેમણે ગીત ગાયું, એ લાગણીને અમે શબ્દોમાં વ્યક્ત કરી શકીએ તેમ નથી. તેમની જન્મજયંતિ પર આ ગીત રિલીઝ થવું એક સુંદર સંયોગ છે. તેમની ભવ્ય સંગીતયાત્રામાં અમારી ફિલ્મને પણ નાનકડું સ્થાન મળ્યું, એ માટે અમે પોતાને ખૂબ નસીબદાર માનીએ છીએ.”
ફિલ્મના દિગ્દર્શક હરીશ વ્યાસે કહ્યું હતું કે, “આશાજીની જન્મજયંતિ પર આ ગીત રિલીઝ કરવું મારા માટે ખૂબ ખાસ છે. ‘ઓમ કા હરિ’ દ્વારા તેમની સંગીત-વિરાસતનો નાનકડો હિસ્સો આગળ લઈ જવાની તક મળી, એને હું મારું સદભાગ્ય માનું છું. આજે અમે માત્ર એક ગીત નહીં, પરંતુ આશાજીની વિરાસતની ઉજવણી કરી રહ્યા છીએ.” ફિલ્મ ‘ઓમ કા હરિ’ 18 સપ્ટેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.