લવ-સ્ટોરીમાં જેમ આઇ લવ યુ હોય એમ ભગવાનની ફિલ્મમાં ભગવાન અને પૂજારી તો હોય જ, મારા ભાઈ

24 December, 2014 05:15 AM IST  | 

લવ-સ્ટોરીમાં જેમ આઇ લવ યુ હોય એમ ભગવાનની ફિલ્મમાં ભગવાન અને પૂજારી તો હોય જ, મારા ભાઈ


રશ્મિન શાહ

૨૦૧૨માં રિલીઝ થયેલી ‘OMG’ (ઓહ માય ગૉડ!) અને શુક્રવારે રિલીઝ થયેલી આમિર ખાનની ‘Pk’ વચ્ચે ઘણું સામ્ય છે એવા એકધારા આવી રહેલા મીડિયા-રિપોર્ટથી ડિરેક્ટર રાજકુમાર હીરાણી અને ડિરેક્ટર ઉમેશ શુક્લ અપસેટ થયા છે. ગઈ કાલે જ્યારે રાજકુમાર હીરાણી સાથે આ બાબતે વાત કરવાની કોશિશ કરવામાં આવી ત્યારે તેમણે વાત કરવાની ના પાડતાં બળાપો કાઢ્યો હતો અને કહ્યું હતું કે મીડિયા છેલ્લે તો એ જ લખવાનું છે જે તેમને મનગમતું છે એટલે વાત કરવાનો કોઈ અર્થ નથી.

‘OMG’ના ડિરેક્ટર ઉમેશ શુક્લની પણ કંઈક એવી જ હાલત હતી. એકધારા સવાલથી કંટાળીને તેમણે ગઈ કાલે મોબાઇલ સ્વિચ્ડ-ઑફ કરી દીધો હતો. ઉમેશ શુક્લએ કહ્યું હતું કે ‘જો લવ-સ્ટોરી હોય તો એમાં આઇ લવ યુ આવે, આવે અને આવે જ. સ્વાભાવિક છે કે ભગવાનની વાર્તા હોય તો એમાં ભગવાન, પૂજારી, તેમના ચમચાઓ બધા આવે. આને કારણે એવું ન કહી શકાય કે બન્ને ફિલ્મનો સબ્જેક્ટ એક જ છે. બન્ને ફિલ્મ જુદી છે અને એકમેકથી બધી રીતે ડિફરન્ટ છે. આવી સરખામણી કોઈ હિસાબે ન થવી જોઈએ.’