03 June, 2022 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નંદિતા પુરી
ઓમ પુરીની એક્સ-વાઇફ નંદિતા પુરીએ કેકેના નિધન માટે કલકત્તાને જવાબદાર ઠેરવ્યું છે. સાથે જ તેમણે આ દિશામાં સીબીઆઇની તપાસની પણ માગણી કરી છે. તેમણે બૉલીવુડને પણ બંગાળમાં પર્ફોર્મ કરવાનો વિરોધ કરવા કહ્યું છે. તેમણે આ સિંગરના નિધન માટે બેદરકારીનો દોષ કલકત્તા પર મઢી દીધો છે. એ વિશે ફેસબુક પર નંદિતા પુરીએ લખ્યું હતું કે ‘વેસ્ટ બંગાળને શરમ આવવી જોઈએ. કલકત્તાએ કેકેને મારી નાખ્યો છે. એવામાં સરકારે નઝરુલ મંચ પર થયેલી બેદરકારી પર ઢાંકપિછોડો કરવા માટે તેને રાજકીય સન્માન આપ્યું હતું. અઢી હજારની ક્ષમતાવાળા ઑડિટોરિયમમાં ૭ હજાર લોકોની ભીડ હતી. ઍર-કન્ડિશનર કામ નહોતાં કરતાં. પરસેવે રેબઝેબ સિંગરે ચાર વખત ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ દવાઓ તેને સમયસર મળી શકી નહીં. પ્રાથમિક સારવારની સુવિધા નહોતી. આ મામલાની સીબીઆઇ તપાસ થવી જોઈએ અને ત્યાં સુધી તો બૉલીવુડે પણ બંગાળમાં પર્ફોર્મ કરવાનો બૉયકૉટ કરવો જોઈએ.’