રેલવે-ટ્રૅક પરથી કોલસા વીણીને વેચવાનું કામ કરવું પડ્યું હતું ઓમ પુરીએ!

18 May, 2020 08:09 PM IST  |  Mumbai Desk | Ashu Patel

રેલવે-ટ્રૅક પરથી કોલસા વીણીને વેચવાનું કામ કરવું પડ્યું હતું ઓમ પુરીએ!

ઓમ પુરી

૧૯૫૦માં પંજાબના અંબાલામાં જન્મેલા ઓમ પુરીનું જીવન કોઈ હિન્દી ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે એવું રહ્યું હતું. 

ઓમ પુરીના પિતા રાજેશ પુરી રેલવેમાં નોકરી કરતા હતા. ઓમ પુરીનું કુટુંબ ગરીબ હતું. તેના પિતા રેલવેમાં નોકરી કરતા હતા અને તેમના કુટુંબનું માંડ-માંડ ગુજરાન ચાલતું હતું. ઓમ પુરી ૬ વર્ષના હતા ત્યારે તેમના પિતાની સિમેન્ટની ચોરીના આરોપ હેઠળ ધરપકડ થઈ હતી. તેમની ચોરીના કેસમાં ધરપકડ થઈ એટલે રેલવેએ તેમનું ક્વૉર્ટર જપ્ત કરી લીધું હતું અને પુરીનું કુટુંબ બેઘર બની ગયું હતું.
એ દિવસોમાં કુટુંબનું ગુજરાન ચલાવવા માટે ઓમ પુરીના ભાઈ વેદપ્રકાશ પુરી કૂલી તરીકે કામ કરવા માંડ્યા હતા અને ઓમ એક ટી-સ્ટૉલ પર વાસણ માંજવાનું કામ કરવા લાગ્યા હતા. તેમણે એક ઢાબામાં પણ કામ કર્યું હતું. એ દિવસોમાં તેઓ રેલવે-ટ્રૅક પરથી કોલસા વીણી લાવતા હતા અને એ વેચીને કુટુંબને આર્થિક રીતે મદદરૂપ બનવાની કોશિશ કરતા હતા.
પુરીએ ટી-સ્ટૉલ પર વાસણ માંજવાનું અને કોલસા વીણવાનું કામ કરતાં-કરતાં પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. અભ્યાસ પૂરો કર્યા પછી તેમને અભિનય પ્રત્યે લગાવ જાગ્યો હતો અને તેઓ નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એનએસડી)માં અભ્યાસ કરવા માટે દિલ્હી ગયા હતા, જ્યાં તેમની મુલાકાત નસીરુદ્દીન શાહ સાથે થઈ હતી. તેઓ નસીરુદ્દીન શાહ સાથે રૂમ શૅર કરતા હતા. એ પછી શાહે પુરીને ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં પ્રવેશ મેળવવા માટે કહ્યું હતું, કારણ કે તેઓ ત્યાં વધુ અભ્યાસ માટે જઈ રહ્યા હતા.
ઓમ પુરીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે હું પુણેની એફટીઆઇઆઇમાં ભણવા ગયો એ વખતે મારી પાસે પહેરવા માટે એક સારું શર્ટ પણ નહોતું. નસીરુદ્દીન શાહે પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પુરી તેમની ટ્યુશન-ફી પણ ભરી શકતા નહોતા અને તેઓ એફટીઆઇઆઇના એજ્યુકેશનથી સંતુષ્ટ નહોતા.
પુરી જાણીતા બની ગયા એ પછી એફટીઆઇઆઇ દ્વારા તેમના બાકી રહી ગયેલા ૨૮૦ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી, પરંતુ પુરીએ એ રકમ ચૂકવવાની ના પાડી હતી. તેમણે કહ્યું હતું કે એફટીઆઇઆઇનું મારી પાસેથી ૨૮૦ રૂપિયાનું લેણું છે એ વાત મને થ્રિલ આપે છે એટલે હું એ રકમ કદી નહીં આપું!

om puri bollywood bollywood news bollywood gossips ashu patel