04 February, 2025 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુઓ આ પુરાવા
ઉદિત નારાયણની પપ્પીઓએ વિવાદ ઊભો કર્યો છે ત્યારે હવે તેમની બેશરમીના પુરાવા જેવા જૂના વિડિયો વાઇરલ થઈ રહ્યા છે જેમાં તેઓ ખ્યાતનામ સિંગર્સ અલકા યાજ્ઞિક અને શ્રેયા ઘોષાલને તેમ જ ઍક્ટ્રેસ કરિશ્મા કપૂરને તેમની જાણ બહાર કિસ કરતા શૂટ થઈ ગયા છે. આ વિડિયોમાં મહિલાઓ કિસ થયા બાદ હેબતાઈ ગયેલી જોવા મળે છે.
સિંગર અલકા યાજ્ઞિકને કિસ કરતી વખતનો ઉદિત નારાયણનો વિડિયો ‘ઇન્ડિયન આઇડલ’નો છે. ત્યાર બાદ બીજો વિડિયો એક ફંક્શનનો છે જેમાં શ્રેયા ઘોષાલને બેસ્ટ ફીમેલ સિંગરનો અવૉર્ડ મળ્યો છે. એક ફંક્શનમાં ઉદિત ઍક્ટ્રેસ કરિશ્મા કપૂરને અચાનક કિસ કરે છે જેને કારણે તે ચોંકી જાય છે.
એ સિવાય સોશ્યલ મીડિયામાં ઉદિતના એક વાઇરલ થયેલા વિડિયોમાં તેઓ અલકા યાજ્ઞિકને અણછાજતો સવાલ કરે છે. આ વિડિયોમાં ઉદિત અલકાને પૂછે છે, ‘તું મારાથી ભાગી કેમ રહી છે? હજી તો ઘણું કરવાનું બાકી છે તમારે. કુમાર સાનુ સાથે તો ૨૪ કલાક રહે છે અને મારી સાથે એક કલાક પણ પસાર નથી કરવો, હદ છે યાર!’ જોકે એ વિડિયોમાં ઉદિત સાથે તેમની પત્ની પણ છે જે પતિને ખેંચીને અટકાવવાનો પ્રયાસ કરે છે.