હવે ધામા હૈદરાબાદમાં

25 December, 2018 02:28 PM IST  |  | જે જીવ્યું એ લખ્યું – સંજય ગોરડિયા

હવે ધામા હૈદરાબાદમાં

ફિલ્મ બઝારનું પોસ્ટર

જુહુની જાનકી કુટિરમાં ફિલ્મ ‘બાઝાર’નું પાંચ દિવસનું શૂટ પૂÊરું થયું અને એ સાથે અમારું પહેલું શેડ્યુલ પણ પૂÊરું થયું. મેં તમને અગાઉ કહ્યું એમ અમારી આ ફિલ્મ આમ લો બજેટ હતી, પણ એમાં ખાવા-પીવાની બાબતમાં ક્યાંય કરકસર કરવામાં આવતી નહોતી. આ ઉપરાંત મેં તમને બીજી પણ એક વાત અગાઉ કહી હતી કે ‘બાઝાર’થી હું નૉન-વેજ ખાતો થયો. પહેલું શેડ્યુલ પૂÊરું થયા પછી મને બીજા જ દિવસે સાયનના કોલીવાડા વિસ્તારમાં બોલાવવામાં આવ્યો.

અમારા રાઇટર-ડિરેક્ટર સાગર સરહદી સાહેબનું ઘર જુહુમાં, પણ તેમનું મૂળ ઘર સાયનના કોલીવાડા વિસ્તારમાં. આજે તેઓ એ જ ઘરમાં રહે છે. સાગર સરહદીને હું સાગરસાહેબ કહેતો. તેઓ આજે પણ ઉદૂર્માં જ લખે છે. મિત્રો, મારે તમને સાગરસાહેબ, તેમના ભત્રીજા અને અમારી ફિલ્મના પ્રોડ્યુસર વિજય તલવાર અને રમેશ તલવારની બૅકસ્ટોરી કહેવી છે. અગાઉ મેં કહ્યું હતું એમ મૂળ તેઓ પાકિસ્તાનમાં આવેલા બફ્ફા નામના ગામમાં રહેતા હતા. આઝાદી પછી પાકિસ્તાનમાં હિન્દુવિરોધી તોફાનો શરૂ થયાં અને એટલે તેઓ હિજરત કરીને ભારત આવ્યા અને પહેલાં દિલ્હીમાં તથા પછી સાયનના આ કોલીવાડા વિસ્તારમાં વસ્યા. કોલીવાડામાં એ સમયે રેફ્યુજી કૅમ્પ હતો. ખૂબ જ પીડાદાયક એ ઘટના હતી. ધીમે-ધીમે સમય પસાર થતો ગયો અને ત્યાં બધું ડેવલપ થવાનું શરૂ થયું અને આ રેફ્યુજી કૅમ્પની જગ્યાએ ત્યાં બિલ્ડિંગ બાંધીને બધાને ફ્લૅટ આપવામાં આવ્યા. કોલીવાડામાં સાગરસાહેબ અને બન્ને તલવારભાઈઓના વન બેડરૂમના કુલ ચાર ફ્લૅટ હતા. બે ફ્લૅટમાં સાગરસાહેબ અને રમેશ તલવાર રહેતા અને બીજા બે ફ્લૅટમાં તેમના મોટા ભાઈ, ભાભી અને વિજયસાબ તેમની ફૅમિલી સાથે રહેતા. વિજયસાહેબે મૅરેજ કરી લીધાં હતાં. તેમની ફૅમિલી ખૂબ જ પ્રેમાળ. તેમની ફૅમિલી પાસેથી મને ખૂબ પ્રેમ મળ્યો છે.

દુર્ભાગ્યવશ વિજય તલવારનો ત્રણ વર્ષ પહેલાં દેહાંત થયો, પણ મારે એક વાત કહેવી છે કે વિજયસાબ પહેલી વ્યક્તિ હતા જેમણે મારા પર પૂરો ભરોસો મૂક્યો હતો. દુનિયાનો પહેલો માણસ જેને મારા પર વિશ્વાસ હતો, મારા પર શ્રદ્ધા હતી. લતેશ શાહે મારા પર વિશ્વાસ મૂક્યો હતો. તેમનું સ્થાન અને મહત્વ મારા જીવનમાં જુદું જ છે, પણ વિજયસાબની વાત જુદી છે. તેમણે પ્રોડક્શનમાં બધી વ્યક્તિને પડતી મૂકીને મને મહત્વ આપ્યું હતું. મારા હાથમાં રૂપિયાનો ઢગલો મૂકીને તે કહેતા, ‘સંજય, અબ તુમ યે સબ સંભાલો.’

અચાનક જ મને હું જવાબદાર વ્યક્તિ થઈ ગયો હોઉં એવું લાગવા માંડ્યું, મારું મહત્વ અદકેરું છે એવું મને લાગવા માંડ્યું. આ જ કારણે હું કહીશ કે ફિલ્મ પ્રોડક્શનની જે આંટીઘૂંટી હતી એ સમજવામાં મને વિજયસાબનો ભરોસો ખૂબ કામ લાગ્યો. મિત્રો, એક વાત કહેવી છે મારે. રૂપિયો ક્યારેય સગા બાપનો થયો નથી. એ ધારે તો બે ભાઈઓને ઝઘડાવી મારે અને જો રૂપિયો ચાહે તો હસબન્ડ-વાઇફને પણ એકબીજાથી જોજનો દૂર કરી મૂકે. પ્રોડક્શનના કામમાં ડગલે ને પગલે રૂપિયાની વાત આવતી હોય એટલે એ બધામાં વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. વિશ્વાસ વિનાનું વહાલ પણ વહેમનો રાક્ષસ બની જાય.

ફિલ્મ શું છે, ફિલ્મનો વિષય શું છે અને એ વિષયની વાર્તામાં આગળના શૂટિંગનું શેડ્યુલ કેવું છે એ વિશે વાત કરવા માટે જ મને વિજયસાહેબે ઘરે બોલાવ્યો હતો. હું તેમના કોલીવાડાવાળા ઘરે પહોંચ્યો ત્યારે તેમણે મને કહ્યું કે હવે આપણે પાંત્રીસ દિવસ માટે હૈદરાબાદ શૂટિંગ માટે જવાનું છે અને એ માટે બધાની ટ્રેનની ટિકિટ બુક કરાવવાની છે. મને પાક્કું યાદ છે કે એ એપ્રિલ મહિનાનો સમય હતો અને ગરમી પોતાના ઓરિજિનલ રંગમાં આવી ગઈ હતી.

હૈદરાબાદમાં શૂટિંગ. વાત સાંભળીને જ હું તો ખુશ-ખુશ થઈ ગયો હતો. મને થયું કે વાહ, જલસો પડી જશે. હવે બીજું એક શહેર જોવા મળશે અને ત્યાં બે-ચાર કે છ નહીં પણ રોકડા પાંત્રીસ દિવસ રહેવા મળશે. અજાણ્યા શહેરમાં પાંત્રીસ દિવસ રહેવાની વાતથી હું ખુશ થતો ટિકિટ માટે રવાના થયો અને બધાની ટિકિટ મેં બુક કરાવી. મિત્રો, મેં તમને અગાઉ કહ્યું હતું એમ ‘બાઝાર’માં સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, ફારુક શેખ, જાવેદ ખાન, રીટા રાની-કૌલ, બી. એલ. ચોપડા, સુપ્રિયા પાઠક, ભરત કપૂર જેવા ઍક્ટરો હતા. આમાંથી સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ અને ફારુક શેખ ફ્લાઇટમાં હૈદરાબાદ આવવાનાં હતાં. ભરત કપૂર પોતાના ખર્ચે ફ્લાઇટમાં હૈદરાબાદ આવવાના હતા. નીકળવાના બે દિવસ અગાઉ દીના પાઠકે મને ઘરે બોલાવ્યો. સુપ્રિયા પાઠક દીના પાઠકનાં દીકરી. તેમણે કહ્યું કે સુપ્રિયાને મુંબઈમાં કામ છે એટલે તે શૂટિંગના દિવસે જ ફ્લાઇટમાં હૈદરાબાદ પહોંચશે. મેં તરત જ તેમની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી. મને હજી યાદ છે કે દીનાબહેનનું ઘર દાદરમાં પારસી કૉલોનીની બાજુમાં હતું. તેમના ઘરે મને તેમણે ચીઝ ટોસ્ટ ખવડાવ્યો હતો. બાકી બધા જ ટ્રેનમાં જવાના હતા, સાગરસાહેબ શિખ્ખે.

ટિકિટો બુક થઈ ગઈ અને હવે નીકળવાની રાહ જોવાની હતી. બીજું તો કોઈ કામ હાથમાં હતું નહીં એટલે હૈદરાબાદ જવાની પૂર્વતૈયારીઓમાંથી સમય મળે એટલે મિત્રો સાથે ગપ્પાગોષ્ઠિ ચાલુ થઈ જાય. ગપ્પાગોષ્ઠિના એવા જ એક દિવસે મારા મિત્ર શશી વાડિયાએ આવીને મને કહ્યું કે મેં એક નાટક લખ્યું છે, મારે એ તને પહેલાં સંભળાવવું છે. નાટકનું ટાઇટલ હતું ‘ચોર ચોર પકડો પકડો’. નામ સાંભળીને આપણને મજા આવી ગઈ. આપણે તો ભાઈ રેડી નાટક સાંભળવા માટે.

‘ચોર ચોર પકડો પકડો’ નાટક એ વખતની સિસ્ટમમાં ચાલતા ભ્રષ્ટાચારની વાત કરતું હતું, જે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. શશી વાડિયા પોતે ખૂબ ઈમાનદાર. ટિકિટ વગર ક્યારેય ટ્રેન કે બસમાં પ્રવાસ ન કરે. હરામનો એક પૈસો પણ કમાવાનું તે વિચારે નહીં. તે શશી વાડિયાની વાતો પણ કરીશું, પણ આવતા મંગળવારે.

ફૂડ-ટિપ્સ

પૂડલા સૅન્ડવિચ. નામ પડે ત્યાં જ આંખોમાં અચરજ આવી જાય. આવું તે ફ્યુઝન કેવું હોય? સુપર્બ હોય અને જો ખાઓ તો સાતે કોઠે દીવા થાય એવું પણ હોય. મને ખાતરી છે કે બહુ ઓછા લોકોએ આ પૂડલા સૅન્ડવિચ ખાધી હશે. મેં પણ હમણાં જ ખાધી. આપણા મુંબઈમાં જ એ મળે છે. બન્યું એવું કે હમણાં મેઇન ટાઉન પાસે મારા ખેતવાડીના જૂના ઘરની આજુબાજુ જ ફરતો હતો. સમય હતો એટલે હું પ્રાર્થના સમાજ પાસેથી ચોપાટી તરફ ચાલતો નીકYયો. આ રસ્તા પર ડાબી બાજુએ મારવાડી વિદ્યાલય આવે. એ પૂરી થતાં જ ડાબી બાજુએ એક ગલી આવે. એ ગલીમાં થોડા સીધા જાઓ એટલે ડાબી બાજુએ તમને એક સૅન્ડવિચવાળો જોવા મળશે. આ સૅન્ડવિચવાળો ભાઈ આમ તો નૉર્મલ સૅન્ડવિચની જેમ જ સૅન્ડવિચ બનાવે છે અને સૅન્ડવિચમાં કાંદા, કાકડી, ટમેટાં અને બટાટા તો નાખે; પણ એ બધાની સાથે તે આ સૅન્ડવિચની વચ્ચે ગરમાગરમ પૂડલાનો મોટો ટુકડો મૂકે અને એ મૂક્યા પછી તમને આપે. અદ્ભુત સ્વાદ હતો સાહેબ. પૂડલા સૅન્ડવિચ અને સાથે ગ્રીન ચટણી. એક તો પૂડલા સૅન્ડવિચનો નવો સ્વાદ અને એની સાથે સ્વાદિષ્ટ ગ્રીન ચટણી. વાહ. એક વખત આ બાજુ ફરવા ગયા હો તો આ સૅન્ડવિચ ખાવાનું ચૂકતા નહીં. એક વાર ખાશો તો બીજી વખત એ તમે ઘરે ટ્રાય કરશો એ પણ નક્કી છે.


જોક સમ્રાટ

નાટકનો શો પતાવીને હું ઘરે પહોંચ્યો. પેટમાં ઉંદરડા બેફામ તોફાને ચડ્યા હતા.

મેં ચંદાને પૂછ્યું, ‘આજે શેનું શાક બનાવ્યું છે?’

‘અન-એજ્યુકેટેડ વેજિટેબલ્સ.’

મારી આંખો પહોળી થઈ ગઈ. આ તે વળી શેનું શાક?

‘એટલે?’

‘ગવાર.’

-    સાહેબ, મારી બધી ભૂખ મરી ગઈ.