હું હવે લાઇવ શો નહીં કરી શકું,પણ ગીતો તો ગાતો જ રહીશ

17 November, 2014 05:18 AM IST  | 

હું હવે લાઇવ શો નહીં કરી શકું,પણ ગીતો તો ગાતો જ રહીશ



બૉલીવુડના ગાયક અને બંગાળી અભિનેતા બાબુલ સુપ્રિયોને નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં નગરવિકાસ, ગૃહનિર્માણ અને ગરીબી ઉન્મૂલન વિભાગના રાજ્ય પ્રધાન તરીકે સમાવી લેવામાં આવ્યો છે. જોકે આ નવી જવાબદારીથી બાબુલ પોતાનો સંગીત પ્રત્યેનો પ્રેમ ઓછો નહીં થવા દે.

બાબુલ કહે છે કે વડા પ્રધાન પોતે ગાયનને પ્રોત્સાહન આપે છે. બાબુલે આ વિશે પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મોદીજી પોતે મને સિન્ગિંગ ચાલુ રાખવા પ્રેરિત કરે છે. ચાર્જર જે કામ મોબાઇલ માટે કરે છે એ સંગીત મારા માટે કરે છે. વધુમાં હાલમાં હું ખૂબ ખુશ વ્યક્તિ છું. એથી અગાઉની સરખામણીએ હું વધુ સારું ગાઈ શકીશ. કોણ જાણે છે? આ કદાચ મારી ગાયક તરીકે નવી શરૂઆત હોય.’

આ સાથે જ બાબુલ સભાન છે કે પોતાની પ્રધાન તરીકે નિમણૂક થઈ એટલે કેટલીક પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવો પડશે. બાબુલે આ બાબતનો સ્વીકાર કરતાં કહ્યું હતું કે ‘મારી નવી જવાબદારીઓની કેટલીક મર્યાદાઓ છે. હું હવે લાઇવ શો નહીં કરી શકું, હવે હું સ્ટેજ પર ડાન્સ નહીં કરી શકું; પરંતુ સ્ટુડિયોમાં રેકૉર્ડિંગ તો જરૂર કરી શકીશ. મને ખાતરી છે કે હું મારા ગાયક તરીકેના રોલ અને પ્રધાનપદ સાથે તાલમેલ બેસાડી શકીશ. હું તમામ જરૂરી નિયમો અને પ્રોટોકૉલને નિભાવી શકીશ.’બાબુલ સુપ્રિયો પશ્ચિમબંગાળના આસનસોલમાંથી લોકસભાની ચૂંટણી જીતીને સંસદસભ્ય બન્યો છે.