બૉલીવુડના મેકર્સ દિવંગત અમજદ ખાનના ૧.૨૭ કરોડ રૂપિયા ગુપચાવી ગયા હતા

02 June, 2026 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરા શાદાબ ખાને ખુલાસો કર્યો કે આમાં અન્ડરવર્લ્ડે મદદની ઑફર કરી હતી પણ તેની મમ્મીએ એ લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી

અમજદ ખાનના પુત્ર શાદાબ ખાને હાલમાં ચોંકાવનારો ખુલાસો કર્યો

દિવંગત ઍક્ટર અમજદ ખાનના પુત્ર શાદાબ ખાને હાલમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેના પિતાના મૃત્યુ પછી બૉલીવુડના મેકર્સ તેમને આપવાના લગભગ ૧.૨૭ કરોડ રૂપિયા ગુપચાવી ગયા હતા. આ વિશે વાત કરતાં શાદાબે કહ્યું કે મારા પિતાનું મૃત્યુ થયું ત્યારે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોને તેના પિતાના પૈસા ચૂકવવાના બાકી હતા. અમજદ ખાનનું અવસાન માત્ર ૫૧ વર્ષની ઉંમરે થયું હતું. એ સમયની સ્થિતિ વિશે વાત કરતાં શાદાબે કહ્યું, ‘મારા પિતાએ એવા લોકોના પૈસા માફ કરી દીધા હતા જે ચુકવણી કરવા સક્ષમ નહોતા, પરંતુ જાણીતા નિર્માતાઓ અને ફિલ્મમેકર્સ પાસેથી લગભગ ૧.૨૭ કરોડ રૂપિયા લેવાના બાકી હતા. આ પૈસા મોટા અને સધ્ધર નિર્માતાઓ પાસે હતા પણ કોઈએ આગળ આવીને એ રકમ પાછી આપી નહોતી. એ સમયના આટલા પૈસાથી પાલી હિલમાં ત્રણથી ૪ ફ્લૅટ ખરીદી શકાય એવા હતા.’

આ પૈસાના મામલે પોતાની મમ્મીના અભિગમ વિશે વાત કરતાં શાદાબે કહ્યું કે ‘મને યાદ છે કે મારી મમ્મીને એક વખત અન્ડરવર્લ્ડ તરફથી ફોન આવ્યો હતો અને આ પૈસા પાછા અપાવવામાં મદદ કરવાની ઑફર કરવામાં આવી હતી, પરંતુ મમ્મીએ આ ઑફર ઠુકરાવી દીધી હતી. મારી મમ્મીએ ધાર્યું હોત તો આ રીતે પૈસા વસૂલ કરી શકી હોત, પણ તેમણે આત્મસન્માન અને સિદ્ધાંતોના કારણે એવું ન કર્યું. તેમણે અન્ડરવર્લ્ડના લોકોને કહ્યું કે મારા પતિએ ક્યારેય અન્ડરવર્લ્ડની મદદ લીધી નહોતી અને હું હવે એવી શરૂઆત કરવા નથી ઇચ્છતી. ત્યાર બાદ મામલો ત્યાં જ પૂરો થઈ ગયો.’

amjad khan entertainment news bollywood bollywood news bollywood gossips bollywood buzz