31 July, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન
આમિર ખાને મંગળવારે એક પ્રેસ-કૉન્ફરન્સ યોજીને તેની ફિલ્મોના ડિસ્ટ્રિબ્યુશન મૉડલમાં ફેરફારની જાહેરાત કરી છે. આમિરે જણાવ્યું છે કે તેની લેટેસ્ટ રિલીઝ ‘સિતારે ઝમીન પર’ કોઈ પણ OTT પ્લૅટફૉર્મ પર સ્ટ્રીમ નહીં થાય, પરંતુ એના બદલે ૧ ઑગસ્ટથી યુટ્યુબ પર સીધી રિલીઝ થશે, જેની પે-પર-વ્યુ કિંમત ભારતમાં ૧૦૦ રૂપિયા રહેશે.
આ નિર્ણય આમિરે યુટ્યુબ પર નવી ચૅનલ ‘આમિર ખાન ટૉકીઝ’ શરૂ કર્યાના મહિનાઓ બાદ આવ્યો છે. આ નિર્ણય વિશે વિગતવાર વાત કરતાં આમિરે કહ્યું હતું કે ‘આનું પ્લાનિંગ લાંબા સમયથી ચાલતું હતું અને આ કારણે જ મેં ‘સિતારે ઝમીન પર’ના રાઇટ્સ આપ્યા નહોતા. અમારી યોજના છે કે આમિર ખાન પ્રોડક્શન્સના બૅનર હેઠળ બનતી દરેક ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયા બાદ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવે. આ દરેક ફિલ્મ ૧૦૦ રૂપિયા જેટલી ઓછી કિંમતે ઉપલબ્ધ રહેશે. આ ડિજિટલ મૉડલ તાજેતરની ફિલ્મ સુધી મર્યાદિત નથી અને ‘લગાન’, ‘દંગલ’, ‘જાને તૂ યા જાને ના’, ‘તારે ઝમીન પર’ અને આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ બનેલી બધી ફિલ્મો યુટ્યુબ ચૅનલ પર જોવા મળશે. અહીં મારા પિતાએ નિર્માણ કરેલી ફિલ્મો પણ જોવા મળશે જેમાં દર્શકો માટે પેઇડ અને ફ્રી કન્ટેન્ટનું કૉમ્બિનેશન ઉપલબ્ધ રહેશે.’
આમિરે એ પણ જાહેર કર્યું કે તેની લોકપ્રિય ટેલિવિઝન શ્રેણી ‘સત્યમેવ જયતે’ આ પ્લૅટફૉર્મ પર મફતમાં અપલોડ કરવામાં આવશે. આ યુટ્યુબ ચૅનલ ખોલવા માટેના કારણની ચર્ચા કરતાં આમિરે કહ્યું હતું કે ‘આ ચૅનલ એવા યુવા ફિલ્મ-નિર્માતાઓ માટે ખોલવામાં આવશે જેમને તેમના કામને થિયેટરમાં રિલીઝ કરવામાં મુશ્કેલી પડે છે.’