✕

રામાયણના ગીત મંગલ રંગમાં દર્શાવાઈ છે મિથિલાની પ્રચલિત પરંપરાગત આશીર્વાદવિધિ ચુમાવન?

27 October, 2026 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર થઈ રહેલી અન્ય એક ચર્ચા પ્રમાણે ગીતમાં દર્શાવાયેલું દૃશ્ય ભગવાન રામનાં લગ્નને બદલે તેમના પ્રસ્તાવિત રાજ્યાભિષેક સાથે જોડાયેલી વિધિનું પણ હોઈ શકે છે. જોકે આ દૃશ્ય કયા ચોક્કસ પ્રસંગને દર્શાવે છે.

‘મંગલ રંગ’માં ચુમાવન વિધિ દર્શાવાઈ

નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ના નિર્માતાઓએ નવું ગીત ‘મંગલ રંગ’ રિલીઝ કરતાં જ સોશ્યલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ છે. આ ગીતમાં ભગવાન રામની ભૂમિકામાં રણબીર કપૂર અને માતા સીતાની ભૂમિકામાં સાઈ પલ્લવી જોવા મળે છે. ગીતમાં તેમના લગ્નોત્સવનાં દૃશ્યોની સાથે વનવાસ પહેલાંના તેમના જીવનની કેટલીક ભાવુક પળો પણ દર્શાવવામાં આવી છે. આ ગીતનાં દૃશ્યોએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે, પણ એના એક ખાસ દૃશ્યની સોશ્યલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. આ દૃશ્યમાં એક ભવ્ય ધાર્મિક સમારોહ જેવા વાતાવરણમાં ભગવાન રામની આસપાસ તેમના પરિવારની મહિલાઓ જોવા મળે છે. આ દરમ્યાન તેમની સાથેની મહિલાઓ ભગવાન રામને પીળો લેપ લગાડે છે અને સૌના ચહેરા પર સ્મિત જોવા મળે છે. આ દૃશ્યમાં દર્શાવવામાં આવેલી વિધિને લઈને લોકો વચ્ચે ચર્ચા શરૂ થઈ છે.

શરૂઆતમાં અનેક દર્શકોએ આ વિધિને પીઠી ચોળવાની અથવા તો હલ્દીની વિધિ ગણાવી હતી અને એની સામે વાંધો ઉઠાવ્યો હતો, કારણ કે આ વિધિ દરમ્યાન માતા સીતા પણ હાજર દેખાય છે. આ ચર્ચા વચ્ચે સોશ્યલ મીડિયા પર બીજી એક સંભાવનાની પણ ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકોનું માનવું છે કે આ દૃશ્ય માતા સીતાના પિયર મિથિલા અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પ્રચલિત પરંપરાગત આશીર્વાદવિધિ ‘ચુમાવન’ હોઈ શકે છે.

ચુમાવન મિથિલાની સંસ્કૃતિમાં પ્રચલિત એક પરંપરાગત વિધિ છે. લગ્ન સહિતના મહત્ત્વપૂર્ણ પ્રસંગોએ આ વિધિ કરવામાં આવે છે. એમાં પરિવારના વડીલો કન્યા, વર અથવા યુગલને આશીર્વાદ આપે છે. આ વિધિ દ્વારા તેમનાં સુખ, સમૃદ્ધિ, દીર્ઘાયુષ્ય, સૌભાગ્ય અને અનિષ્ટથી રક્ષણની કામના કરવામાં આવે છે.

સોશ્યલ મીડિયા પર થઈ રહેલી અન્ય એક ચર્ચા પ્રમાણે ગીતમાં દર્શાવાયેલું દૃશ્ય ભગવાન રામનાં લગ્નને બદલે તેમના પ્રસ્તાવિત રાજ્યાભિષેક સાથે જોડાયેલી વિધિનું પણ હોઈ શકે છે. જોકે આ દૃશ્ય કયા ચોક્કસ પ્રસંગને દર્શાવે છે એ વિશે ફિલ્મના નિર્માતાઓએ હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી.

ramayan nitesh tiwari ranbir kapoor sai pallavi upcoming movie social media bollywood news bollywood gossips bollywood