03 April, 2026 10:29 AM IST | Kashi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઍક્ટ્રેસ નિમ્રત કૌરે ગઈ કાલે હનુમાન જયંતીના અવસરે કાશીના સંકટ મોચન હનુમાન મંદિરમાં દર્શન કર્યાં અને પોતાનો આ અનુભવ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો. નિમ્રતે પોતાની પોસ્ટમાં લખ્યું કે આ યાત્રા તેમના માટે ખૂબ જ ખાસ અને અમૂલ્ય રહી, કારણ કે કાશીનો દરેક ખૂણો ઇતિહાસ, ભક્તિ અને પરંપરાથી જોડાયેલો છે.
નિમ્રતે પોતાની યાત્રાની શરૂઆત સંકટ મોચન મંદિરથી કરી, જ્યાં માન્યતા છે કે સંત ગોસ્વામી તુલસીદાસને હનુમાનજીનાં દર્શન થયાં હતાં. ત્યાર બાદ તે તુલસી ઘાટ પર પણ ગઈ અને તુલસી અખાડાની મુલાકાત પણ લીધી, કારણ કે અહીંના પહેલવાનો હનુમાનજીની ભક્તિ સાથે શારીરિક શિસ્તનું પાલન કરે છે. નિમ્રતે કહ્યું કે આ જગ્યાએ ઇતિહાસ, પરંપરા, ભક્તિ અને શિસ્તનો જે સંગમ જોવા મળે છે એ ખરેખર અદ્ભુત છે. પોસ્ટના અંતમાં નિમ્રતે સૌને હનુમાન જયંતીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.