26 April, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિમ્રત કૌર
નિમ્રત કૌરને ઍક્ટિંગમાં જેટલો રસ છે એટલો જ રસ સામાજિક કાર્યોમાં પણ છે. હાલમાં નિમ્રત માસિક ધર્મમાં સ્વચ્છતા જાળવવાની ઝુંબેશમાં સામેલ થઈ હતી. તેણે ઝૂંપડપટ્ટીમાં માસિક ધર્મ સ્વચ્છતા કિટનું વિતરણ કર્યું હતું. આ કિટમાં સૅનિટરી પૅડ્સ, ડિસ્પોઝેબલ પાઉચ અને સ્વચ્છતા જાળવવા માટે જરૂરી વસ્તુઓ છે. આ કિટમાં એક નાનકડી ચોપડી પણ છે જેમાં માસિક ધર્મ દરમ્યાન કઈ રીતે સ્વચ્છતા જાળવવી એની સમજણ આપવામાં આવી છે.
આ પ્રયાસ વિશે નિમ્રતે જણાવ્યું હતું કે ‘માસિક ધર્મ કોઈ પણ મહિલાના સ્વાસ્થ્ય માટે જરૂરી પ્રાકૃતિક પ્રક્રિયા છે, પણ આમ છતાં એના વિશે વાત નથી થતી. માસિક ધર્મ વિશે વાત કરવામાં છોકરીઓ સંકોચ અનુભવે છે. માસિક ધર્મમાં સ્વચ્છતા જાળવવામાં મદદ કરતી કિટને કારણે એના વિશેનો છોછ ઓછો થશે. મને આશા છે કે આને કારણે છોકરીઓને પાયાની સુવિધા તો મળશે જ, પણ સાથે-સાથે એ પિરિયડ્સને પણ નૉર્મલ સમજતી થશે. હું ઇચ્છું છું કે આ વિષયને કારણે છોકરીઓ શરમ ન અનુભવે અને આ લાગણીને કારણે સ્કૂલમાં ભણવાનું છોડી ન દે.’