નિખિલ અડવાણીએ કચ્છમાં ડી ડે ફિલ્મનું શેડ્યુલ કેમ ટૂંકાવી દીધું?

28 November, 2012 05:29 AM IST  | 

નિખિલ અડવાણીએ કચ્છમાં ડી ડે ફિલ્મનું શેડ્યુલ કેમ ટૂંકાવી દીધું?



રિશી કપૂરનો ગોલ્ડન પિરિયડ પૂરો થયો છે? શું હવે તેના દીકરા રણબીર કપૂરની બોલબાલા છે? છેલ્લો સવાલ, રિશી કપૂર હવે માત્ર ચરિત્ર અભિનેતા રહ્યો છે?

આ બધા સવાલનો એક જ જવાબ છે: ના. અને જો કચ્છમાં ચાલી રહેલી નિખિલ અડવાણીની ફિલ્મ ‘ડી ડે’ના શૂટિંગ-લોકેશન પર જો તમે જઈ શક્યા હો તો તમે પણ આ જ જવાબ આપો. એંસીના દાયકાના આ સુપરસ્ટાર માટે જે હદે ભીડ જામતી હતી અને એક વખત રિશી કપૂરને મળવા માટે જે હદે લોકો આવતા હતા એ જોઈને સ્થાનિક પોલીસ પણ ગભરાઈ ગઈ હતી. આ ગભરાટ વચ્ચે જ લોકલ પોલીસે ફિલ્મના ડિરેક્ટર નિખિલ અડવાણીને શૂટિંગ અન્ય કોઈ જિલ્લામાં કરવાની રિક્વેસ્ટ કરવી પડી અને બે દિવસના અનુભવથી સમજી ગયેલા નિખિલે પણ વાત માનવી પડી. ફિલ્મના યુનિટ સાથે જોડાયેલી એક સિનિયર વ્યક્તિએ કહ્યું હતું કે ‘ફિલ્મના શૂટિંગમાં અજુર્ન રામપાલ, ઇરફાન ખાન અને હુમા કુરેશી જેવાં અત્યારના સમયનાં જાણીતાં સ્ટાર્સ હોવા છતાં કચ્છી લોકોમાં રિશી કપૂરનો જબરદસ્ત ક્રેઝ હતો. સો પોલીસમેન અને પંદર સિક્યૉરિટી ગાર્ડ વચ્ચે પણ તે લોકો કાબૂમાં નહોતા રહેતા. રિશી કપૂરના આ ક્રેઝને કારણે જે શૂટિંગ પાંચ દિવસમાં પૂરું કરવાનું હતું એ શૂટિંગ કોઈ હિસાબે દસ-પંદર દિવસ પહેલાં પૂરું થાય એવા ચાન્સિસ નહોતા એટલે નાછૂટકે અમારે પૅક-અપ કરવું પડ્યું છે. હવે બાકીનું શૂટિંગ અમે મુંબઈના સ્ટુડિયોમાં પૂરું કરીશું.’

શૂટિંગના પહેલા દિવસે રિશી કપૂરે જમા થયેલી ભીડને શાંત રાખવા માટે ગુસ્સે થવું પડ્યું હતું અને એ પછી પણ દિવસ દરમ્યાન માંડ દસ ટકા કામ પૂરું થયું હતું. બીજા દિવસે પણ કચ્છના ભચાઉ તાલુકાના જંગી ગામે જ શૂટિંગ હતું અને એવો જ માહોલ રહેતાં શૂટિંગ શક્ય જ નહોતું બન્યું. પ્રોડયુસરે વધુ પોલીસની ડિમાન્ડ કરી હતી, પણ અત્યારે ગુજરાતમાં ઇલેક્શન હોવાથી વધુ પોલીસ પ્રોવાઇડ કરવી શક્ય નહીં હોવાથી નાછૂટકે શૂટિંગ પૅક-અપ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. પૅક-અપ થતાં બધા ઍક્ટર એક વીક ઍડવાન્સ મુંબઈ આવવા માટે નીકળી ગયા હતા.