14 March, 2026 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીના ગુપ્તા
નીના ગુપ્તા ફરી એક વાર ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર તેઓ ગર્ભવતી થયાં હોવાને લઈને ઊડતી અફવાઓ પર તેમણે પોતાની આગવી શૈલીમાં રંગતભરી રમૂજ સાથે સ્પષ્ટતા કરી છે.
તેલંગણના હૈદરાબાદમાં તાજેતરમાં યોજાયેલા અભિનેતા વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના વેડિંગ-રિસેપ્શનમાં નીના ગુપ્તાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જ્યારે તેઓ ફોટોગ્રાફરોને પોઝ આપી રહ્યાં હતાં ત્યારે સોશ્યલ મીડિયા યુઝર્સે તેમના લુકને જોઈને અટકળો શરૂ કરી દીધી હતી કે નીના ગુપ્તા ગર્ભવતી છે.
આ અફવાઓ પર પોતાની પ્રતિક્રિયા આપતાં નીના ગુપ્તાએ હસીને જણાવ્યું હતું કે ‘મારે હવે બસ આ જ જોવાનું બાકી હતું. જાણે કે રિયલ લાઇફમાં ‘બધાઈ હો’ ફિલ્મની વાર્તાનું પુનરાવર્તન થઈ રહ્યું હોય.’
નીના ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે ‘કોઈ ‘બધાઈ હો’ જેવી સ્થિતિ નથી, હું ગર્ભવતી નથી. હકીકતમાં મેં જે સાડી પહેરી હતી એનું મટીરિયલ ખૂબ વજનદાર હતું જેના કારણે હું વધુ ભરાવદાર દેખાતી હતી. મને નવાઈ લાગે છે કે આ ઉંમરે પણ લોકો મારી પ્રેગ્નન્સી વિશે ચર્ચા કરી રહ્યા છે. એ દર્શાવે છે કે એક રાષ્ટ્ર તરીકે આપણે કેટલા વિકસિત થઈ રહ્યા છીએ.’
નીના ગુપ્તા હંમેશાં તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં રહ્યાં છે. ૮૦ના દાયકામાં વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર વિવ રિચર્ડ્સ સાથેના તેમના સંબંધો અને લગ્ન વગર દીકરી મસાબા ગુપ્તાને જન્મ આપીને ઉછેરવાનો તેમનો નિર્ણય એ સમયે ખૂબ જ હિંમતભર્યો માનવામાં આવ્યો હતો. સામાજિક ટીકાઓ વચ્ચે પણ તેમણે સિંગલ મધર તરીકે મસાબાનો ઉછેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આજથી ૧૮ વર્ષ પહેલાં તેમણે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વિવેક મેહરા સાથે લગ્ન કર્યાં હતાં અને અત્યારે તેઓ સુખી લગ્નજીવન વિતાવી રહ્યાં છે.