બૉલીવુડ એક નંબરનું ચોર છે

07 May, 2025 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે આ વાતાવરણમાં ન સારા ઍક્ટર્સ તૈયાર થાય છે કે ન સારા ડિરેક્ટર્સ

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીની ગણતરી બૉલીવુડના દમદાર ઍક્ટર તરીકે થાય છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં તેણે બૉલીવુડના ચવાયેલા વિષયો અને નકલ કરવાની આકરી ટીકા કરી છે. તેનું માનવું છે કે નવા વિચારોની કમી અને અસુરક્ષાની ભાવનાએ ક્રીએટિવિટીને પાછળ ધકેલી દીધી છે.

આ ઇન્ટરવ્યુમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ બૉલીવુડનાં નકારાત્મક પાસાંઓ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે ‘અમારી ઇન્ડસ્ટ્રીમાં એક જ વસ્તુને ચાર-પાંચ વર્ષ સુધી ખેંચવામાં આવે છે. જ્યારે લોકો સાવ કંટાળી જાય છે ત્યારે જ એને છોડવામાં આવે છે. હકીકતમાં અસુરક્ષાની લાગણી બહુ વધી ગઈ છે. લોકો વિચારે છે કે જે ફૉર્મ્યુલા ચાલે છે એને ચાલવા દો. હવે તો બે, ત્રણ અને ચાર ભાગ બનવા માંડે છે. જે રીતે પૈસાનું કંગાળપણું હોય છે એવી જ રીતે આ ક્રીએટિવ કંગાળપણું છે. બૉલીવુડ એક નંબરનું ચોર છે અને એ કઈ રીતે ક્રીએટિવ બની શકે? અમે સાઉથથી ચોરી કરી, ક્યારેક અહીંથી, ક્યારેક ત્યાંથી. કેટલીક ક્લાસિક ફિલ્મોના સીન પણ ચોર્યા. આ એટલું નૉર્મલ થઈ ગયું છે કે લોકોને હવે ચોરવામાં આંચકો પણ નથી લાગતો. પહેલાં લોકો વિદેશી ફિલ્મોનો વિડિયો લાવીને બતાવતા હતા કે આવી ફિલ્મ બનાવવી છે અને પછી એની ફ્રેમ-ટુ-ફ્રેમ નકલ કરવામાં આવતી હતી. આવી ઇન્ડસ્ટ્રી પાસેથી તમે શું આશા રાખી શકો? આ વાતાવરણમાં ન સારા ઍક્ટર્સ તૈયાર થાય છે કે ન સારા ડિરેક્ટર્સ. અનુરાગ કશ્યપ જેવા લોકો એટલે જ ઇન્ડસ્ટ્રી છોડીને જઈ રહ્યા છે.’

nawazuddin siddiqui bollywood buzz bollywood news bollywood entertainment news