09 October, 2026 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાના પાટેકર
નાના પાટેકરની કરીઅરનો શરૂઆતનો સમય ભારે સંઘર્ષમય હતો. નાના પાટેકરના અભિનય ઉપરાંત તેમની શરૂઆતની જિંદગી પણ એટલી જ પ્રેરણાદાયી રહી હતી. તેમણે ખૂબ જ નાની ઉંમરે નોકરી શરૂ કરી હતી અને અનેક મુશ્કેલીઓ વચ્ચે પોતાની કારકિર્દીનો પાયો નાખ્યો હતો.
૧૯૫૧ની પહેલી જાન્યુઆરીએ મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના મુરુડ-જંજીરામાં એક મધ્યમવર્ગીય મરાઠી પરિવારમાં નાના પાટેકરનો જન્મ થયો હતો. તેમનું બાળપણ ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહ્યું હતું. પોતાના બાળપણ વિશે નાના પાટેકરે કહ્યું હતું કે ‘મારો સંઘર્ષ સાથેનો નાતો બાળપણમાં જ જોડાઈ ગયો હતો. મારા ઘરની આર્થિક સ્થિતિ એ સમયે ખાસ સારી નહોતી અને હું મારી માતાનું દુઃખ જોઈ શકતો નહોતો. આ કારણોસર મેં નક્કી કરી લીધું હતું કે હવે મારે મારી માતા અને પરિવારને આર્થિક રીતે મદદ કરવી છે. ૧૩ વર્ષની ઉંમરે મેં મારી પહેલી નોકરી કરી હતી. એના માટે મારે ઘરથી ૮ કિલોમીટર દૂર જવું પડતું હતું અને એટલું જ અંતર પાછું આવવું પડતું હતું. આ રીતે હું દરરોજ કુલ ૧૬ કિલોમીટર પગપાળા ચાલતો હતો. એના બદલામાં મને માત્ર ૩૫ રૂપિયા મળતા હતા. મારા કામ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે, પણ હું ફિલ્મોનાં પોસ્ટર પેઇન્ટ કરતો હતો. આ ઉપરાંત મેં રસ્તા પર ઝીબ્રા ક્રૉસિંગ રંગવાનું કામ પણ કર્યું હતું, જેના બદલામાં મને ૧૫ રૂપિયા મળતા હતા.’
સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ નાના પાટેકરે જે.જે. સ્કૂલ ઑફ આર્ટમાં પ્રવેશ લીધો હતો. એ સમયે તેમની પાસે પૈસા નહોતા અને કૉલેજની ફી ૧૨૦ રૂપિયા હતી. નાના પાટેકર જે કૉલેજમાં અભ્યાસ કરતા હતા એના ડીન થિયેટરના મોટા ડિરેક્ટર હતા. એ સમયે ફૅમિલી-પ્લાનિંગના પોસ્ટર બનાવવાનું ઘણું કામ મળતું હતું. મહારાષ્ટ્રમાં આવાં કામ જે.જે. સ્કૂલ ઑફ આર્ટમાં થતાં હતાં. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ કામ આપવામાં આવતું હતું, જેના બદલામાં તેમને ૩૦૦-૪૦૦ રૂપિયા મળતા હતા. આ પછી નાના પાટેકરે એક ઍડ્વર્ટાઇઝમેન્ટ કંપનીમાં નોકરી શરૂ કરી હતી જ્યાં તેમને ૧૨૦૦ રૂપિયાનો પગાર મળતો હતો. નોકરી દરમ્યાન નાના પાટેકરને લાગ્યું કે તેઓ અભિનય કરી શકે છે. ત્યાર બાદ તેમણે નોકરી છોડી દીધી અને ‘આવિષ્કાર’ નામની થિયેટર મંડળી સાથે જોડાઈ ગયા. વિજયા મહેતાના એક નાટકમાં તેમને સૌથી પહેલાં કામ મળ્યું હતું. આ નાટક બાદ તેમની કારકિર્દીએ ગતિ પકડી અને ધીમે-ધીમે તેમને ફિલ્મોમાં પણ કામ મળવા લાગ્યું.