✕

૩૫ વર્ષથી પત્ની નીલકાંતિથી અલગ રહેતા હતા નાના પાટેકર, પણ નહોતા લીધા ડિવૉર્સ

09 October, 2026 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અલગ રહેવા છતાં નાનાના મનમાં નીલકાંતિ માટે હંમેશાં સન્માન જળવાઈ રહ્યું હતું

પત્ની નીલકાં‌તિ અને પુત્ર મલ્હાર સાથે

નાના પાટેકરનો તેમનાં પત્ની નીલકાંતિ સાથેનો સંબંધ હંમેશાં ચર્ચાનો મુદ્દો રહ્યો છે. નાના અને નીલકાંતિ છેલ્લાં ૩૫ વર્ષથી અલગ રહેતાં હતાં પણ તેમણે સત્તાવાર રીતે ડિવૉર્સ લેવાનું પસંદ નહોતું કર્યું. પરસ્પર સંમતિથી તેમણે પોતાની જિંદગી અલગ-અલગ રીતે આગળ વધારવાનો નિર્ણય લીધો હતો. થોડા સમય પહેલાં નાનાએ પત્ની સાથેના સંબંધો વિશે વાત કરતાં કહ્યું હતું કે તેમના અને નીલકાંતિના સ્વભાવ તથા વિચારસરણીમાં ઘણો તફાવત હતો જેના કારણે બન્ને માટે સાથે રહેવું મુશ્કેલ બની ગયું હતું. જોકે અલગ રહેવા છતાં નાનાના મનમાં નીલકાંતિ માટે હંમેશાં સન્માન જળવાઈ રહ્યું હતું.

કોણ છે નાના પાટેકરનાં પત્ની?

બન્નેની પહેલી મુલાકાત થિયેટરના દિવસોમાં થઈ હતી. સાથે કામ કરતાં-કરતાં બન્ને વચ્ચે મિત્રતા થઈ અને ત્યાર બાદ આ સંબંધ પ્રેમમાં બદલાયો. આ પછી ૧૯૭૮માં બન્નેએ લગ્ન કરી લીધાં હતાં. લગ્ન બાદ તેમને દુર્વાસા પાટેકર અને મલ્હાર પાટેકર એમ બે દીકરાઓ થયા. નીલકાંતિએ માત્ર ૬ વર્ષની ઉંમરે બાળકલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી. આગળ જતાં તેમણે મરાઠી ફિલ્મોમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. તેઓ અભિનેત્રી હોવાની સાથે લેખિકા પણ રહી ચૂક્યાં છે અને પોતાના કામ માટે નૅશનલ અવૉર્ડ પણ જીતી ચૂક્યાં છે. જોકે લાંબા સમય સુધી નીલકાંતિએ ફિલ્મી દુનિયાથી અંતર જાળવી રાખ્યું હતું. ત્યાર બાદ તેમણે વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’માં કામ કર્યું હતું અને તેમના અભિનયને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો.

સંતાન ગુમાવવાનું દુખ

નાના પાટેકર અને નીલકાંતિ બે દીકરાઓના માતા-પિતા બન્યાં હતાં પણ તેમણે જિંદગીમાં એક અત્યંત મુશ્કેલ તબક્કામાંથી પણ પસાર થવું પડ્યું હતું. તેમના મોટા પુત્ર દુર્વાસાને જન્મથી જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હતી અને માત્ર અઢી વર્ષની ઉંમરે તેનું નિધન થયું હતું. મોટા દીકરાના નિધન પછી નાના અને નીલકાંતિ બન્ને ભાંગી પડ્યાં હતાં. તેમના નાના દીકરા મલ્હારે પણ ફિલ્મી દુનિયામાં કામ કર્યું છે. મલ્હારે ફિલ્મમેકર રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘ધ અટૅક ઑફ 26/11’માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. આ ઉપરાંત તે ‘નાના સાહેબ પ્રોડક્શન હાઉસ’ સાથે પણ જોડાયેલો છે. જોકે મલ્હાર પોતાના પિતાની જેમ લાઇમલાઇટમાં રહેવાનું પસંદ કરતો નથી અને પોતાની અંગત જિંદગીને ખૂબ જ ખાનગી રાખે છે.

nana patekar celebrity death celebrity divorce relationships entertainment news bollywood bollywood news bollywood gossips